ઝાલોદના મુણધા ગામે નાણાંની લેવડદેવડમાં બે ઈસમોએ હથિયારો વડે મારામારી કરતાં બે વ્યકિતઓને ગંભીર ઈજાઓ થતાં બે વ્યકિતના મોત

દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે નાણાંની લેવડ દેવડ મામલે બે જેટલા ઈસમોએ આઠથી દશ જણાને હથિયારો વડે ગંભીર માર મારતાં જે પૈકી બે વ્યક્તિઓને શરીરે ગંભીર માર મારતાં બે વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ તાલુકાના મુણધા ગામે રહેતાં ભાભોર વિનોદભાઈ લંબુભાઈ દ્વારા જણાવ્યાં અનુસાર, ગામમાં રહેતાં બે ભાઈઓ વિજય અને અરવિંદનાઓએ ગામમાં રહેતાં કાળુભાઈ મનુભાઈ ભાભોર, ગોરધનભાઈ મનુભાઈ ભાભોર તથા તેમની સાથેના અન્ય કેટલાંક વ્યક્તિઓને નાણાંની લેવડ દેવડ મામલે રસ્તામાં રોકી હથિયારો વડે ગંભીર માર મારતાં કાળુભાઈ તથા ગોરધનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઉપરોક્ત બંન્ને ભાઈઓ દ્વારા અવાર નવાર નાણાંની લેવડ દેવડ મામલે વિનોદભાઈનાઓના ઘરે આવી મારઝુડ, ધિંગાણું મચાવતાં હતાં. આ મામલે પોલીસ મથકે ફરિયાદ સહિત અરજી પણ આપી હતી પરંતુ ઉપરોક્ત બંન્ને ભાઈઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો પણ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યાં હતાં ત્યારે આ હિંસક હુમલાને પગલે પરિવારના બે વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. હુમલાખોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પરિવારજનોમાં ઉઠવા પામી છે. પોલીસ જો સત્વરે હુમલાખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરતી તો આ બનાવ બનતો અટકી શકતો હતો પરંતુ પોલીસની નિષ્ક્રીયતાને કારણે બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો પણ પરિવારજનોમાં ચર્ચા થતી હતી. ત્યારે આ મામલે મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરી છે.