ઝાલોદના મહુડી ગામે રાત્રી સમયે દંપતિને લુંંટારૂ દ્વારા લુંટ ચલાવી પત્નીની હત્યામાં નવો વળાંક પતિએ ગળું દબાવી પત્નીને મોતને ધાટ ઉતારી

દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી ગામે રાત્રીના સમયે એક દંપતિને લુંટારૂઓએ લુંટી સોના, ચાંદીના દાગીનાની લુંટ ચલાવી પત્નિને લુંટારૂઓએ મોતને ઘાટ ઉતારી હોવાના પ્રાથમીક તબક્કે મળતી માહિતી બાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને આ મામલાની તપાસ દાહોદ એલ.સી.બી. પોલીસને આપવામાં આવતાં પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી મૃતક પત્નિના પતિ પર પોલીસને શંકા ગઈ હતી અને તેની ઘનિષ્ઠ પુછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવતાં સૌ કોઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આરોપી પતિનો અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોય પોતાની પત્નિનો કાંટો કાઢવા માટે પતિએજ પત્નિને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રીના સમયે પત્નિને મોટરસાઈકલ પર બેસાડી જાણી જોઈને મોટરસાઈકલ રસ્તાની બાજુમાં સ્લીપ ખવડાવી દઈ પત્નિને પાડી દેતાં પ્રથમ પત્નિને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને ત્યાર બાદ પતિએ પત્નિનું ગળુ દબાવી ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી દીધી હોવાની આરોપી પતિએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. દાહોદ એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલી લીધો હતો.

ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામે ઝાબ ફળિયામાં રહેતાં શૈલેષભાઈ સિદાભાઈ ડામોરને પોતાના ગામમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની જાણ શૈલેષભાઈની પત્નિ લલીતાબેનને થઈ ગઈ હતી. લલીતાબેને પોતાના પતિ શૈલેષને તે મહિલા સાથે સંબંધ નહીં રાખવા કહેતાં આ મામલે બંન્ને પતિ પત્નિ વચ્ચે અવાર નવાર ઝઘડો તકરાર થતો રહેતાં હતો. પ્રેમ પ્રકરણમાં પોતાની પત્નિનું કાંસણ કાઢવા માટે પતિએ પ્લાન ઘડી નાખ્યો હતો. શૈલેષભાઈને પોતાની પત્નિ કાંટાની જેમ ખુંચતી હતી. તેને તેની પ્રેમીકા સાથે રહેવાનું એકબીજાએ નક્કી કરી લીધું હતું ત્યારે પત્નિને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન નક્કી કર્યો હતો અને તા.03 જુનના રોજ શૈલેષભાઈએ પોતાની પત્નિ લલીતાબેનને મોટરસાઈકલ પર બેસાડી રાત્રીના સમયે પોતાના સંબંધીને ત્યાંથી નીકળી પોતાના ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં મોટરસાઈકલ શૈલેષભાઈએ જાણી જોઈને સ્લીપ ખવડાવી દીધી હતી. જેથી મોટરસાઈકલની પાછળ બેઠેલ શૈલેષભાઈની પત્નિ રસ્તાની બાજુમાં આવેલ ખાડામાં પડી ગઈ હતી. જેથી લલીતાબેનને શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી. શૈલેષભાઈને એમ હતું કે, મોટરસાઈકલ પરથી પોતાની પત્નિ પટકાશે તો તે મરણ પામશે પરંતુ લલીતાબેનને નાની મોટી ઈજાઓ થતી જોઈ શૈલેષભાઈએ સ્થળ પરજ પોતાની પત્નિ લલીતાબેનનું ગળું દબાણી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ પોતાની પત્નિ લલીતાબેનને શરીરે પહેરેલ ઘરેણા નજીકના ઝાંડી ઝાંખરામાં નાંખી દીધા હતાં અને ત્યાર બાદ શૈલેષભાઈએ ઢોંગ રચી પોતાના સગા વ્હાલાઓને ફોન કરી પોતાની સાથે લુંટ થઈ છે અને લુંટારૂઓએ તેમની પત્નિને મારી નાંખી છે, તેવું જણાવ્યું હતું અને પોતે બેહોશ થઈ જવાનું નાટક કર્યુ હતું.

સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ શૈલેષભાઈ પર પોલીસને શક ગયો હતો અને તેઓની સઘન પુછપરછ કરતાં ઉપરોક્ત પ્રેમ પ્રકરણના કારણે પોતાની પત્નિને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે શૈલેષભાઈ તથા તેની પ્રેમીકાની અટકાયત કરી બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.