દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વરસાદી માહૌલ વચ્ચે એક મકાન પર વિજળી પડતાં મકાનની દિવાલ ધરાશાહી થઈ જતાં એક મહિલાનું ઈજા પહોંચતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે મહિલાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે જીલ્લામાં તમામ સ્થળોએ વરસાદી પાણી જોવા મળ્યાં હતાં. સમી સાંજના સમયે વાદળછાયા વાતાવરણ અને પવનના સુસવાટા વચ્ચે મેઘરાજાનું વિધિવત આગમન દાહોદ જીલ્લામાં થઈ ચુક્યું છે. ત્યારે ગતરોજ વીજળીના કડાકા ધડાકા સાથે ઝાલોદના લીમડી નગરમાં મેઘરાજા મહેરબાન થયાં હતા. ત્યારે લીમડી નગરમાં ગોધરા રોડ ખાતે એક ત્રણ મંજીલા રહેણાંક મકાન પર વીજળી પડતાં મકાનની દિવાલ ધરાશાહી થઈ ગઈ હતી. જેને પગલે એક મહિલાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.