દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક પરિવારના ઘરે રાત્રીના સમયે આવેલ તસ્કરોએ મકાનમાં પરિવારજનો હાજર હોવા છતાંય મકાનના બીજા માળે પ્રવેશ કરી મકાનમાંથી રૂા.19,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ હતાં. પરંતુ આ બનાવમાં મકાન માલિકે પોતાના ઘરની બહાર લાગેલ સીસીટીવીમાં તસ્કરો જોવાતાની સાથે લીમડી પોલીસને આ અંગેની મોબાઈલ ફોન મારફતે જાણ કરતાં પોલીસે મકાન માલિક સાથે માત્ર ટાઈમ પાસે કરી તેમજ ગેરવર્તુળ કરી ઘટના સ્થળે ન જતાં આ અંગેની વાતચીતનો ઓડિયો ક્લીપ મકાન માલિક દ્વારા પોલીસ સમક્ષ રજુ કરતાં લીમડી પોલીસ મથકના પીએસઓને ફરજ પરની નિષ્કાળજીને પગલે દાહોદ જીલ્લા પોલીસ વડા દ્વારા આ પીએસઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ ઝાલોદના લીમડી નગરમાં ઝાલોદ રોડ ખાતે રહેતાં દેવેન્દ્રકુમાર પુરૂષોત્તમભાઈ ભટેવરાના મકાનમાં તસ્કરોએ ત્રાટક્યાં હતાં. ત્યારે તસ્કરો આવ્યાં હોવાનું દેવેન્દ્રકુમારને માલુમ પડતાં તેઓએ પોતાના ઘરની બહાર તેમજ દુકાનની બહાર લાગેલ સીસીટીવી કેમેરાને પોતાના મોબાઈલ ફોન મારફતે જોતા ઘરની બહાર બે-ત્રણ તસ્કરો જોવા મળ્યાં હતાં. આ અંગેની જાણ દેવેન્દ્રકુમારે પોતાના ભાઈને પણ કરી હતી.
ત્યારે દેવેન્દ્રકુમાર દ્વારા તાત્કાલિક આ અંગેની જાણ મોબાઈલ ફોન મારફતે લીમડી પોલીસ મથકે કરી હતી. ત્યારે લીમડી પોલીસ મથકે રાત્રીના સમયે પોતાની ફરજ બજાવતાં પીએસઓ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેહલ અજીતભાઈ ડામોરે ફોન ઉપાડતાં તેઓ દ્વારા દેવેન્દ્રકુમાર સાથે માત્ર સમયનો વેડફાટ કરી દેવેન્દ્રકુમારને પોલીસમાં ફરિયાદ આપવા માટે આવવાનું કહ્યું હતું. ત્યારે તેમના આવા જવાબથી દેવેન્દ્રકુમાર તથા તેમના પરિવારજનો આશ્ચર્ય થઈ ગયાં હતાં. તસ્કરોએ દેવેન્દ્રકુમારના મકાનના દરવાજાને બહારથી સ્ટોપ મારી દીધી હતી.
ત્યારે પીએસઓ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોર દ્વારા દેવેન્દ્રકુમાર સાથે ગેરવર્તુળ કરતાં આ અંગેની વાતચીતનો ઓડિયો ક્લીપ દેવેન્દ્રકુમાર દ્વારા ઝાલોદ ડિવાયએસપી સમક્ષ રજુ કર્યો હતો. ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને પીએસઓ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોરની ફરજ પરની નિષ્કાળજીને પગલે ઝાલોદના ડિવાયએસપી દ્વારા આ બનાવનો સમગ્ર રિપોર્ટ દાહોદ જીલ્લા પોલીસ વડાને સુપરત કર્યો હતો. ત્યારે જીલ્લા પોલીસ વડા દ્વારા લીમડી પોલીસ મથકના પીએસઓ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. તસ્કરોએ દેવેન્દ્રકુમારના મકાનના બીજા માળે પહોંચી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના જેની કુલ કિંમત રૂા.19,000ની મત્તાની ચોરી કરી રાત્રીના સમયે ફરાર થઈ ગયાં હતાં.
આ સંબંધે દેવેન્દ્રકુમાર પુરૂષોત્તમભાઈ ભટેવરાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.