દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતા લીમડી લીમખેડા રોડ પર એક ફોરવીલર ગાડીના ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ પર સવાર બે યુવકોને શરીરે ઇજાઓ પહોંચતા નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ 19 મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકાના ભડખાડાબર ગામે નિશાળ ફળિયા ખાતે રહેતા વિજયભાઈ તથા તેમની સાથે ઘનશ્યામભાઈ એમ બંને વ્યક્તિઓ એક મોટર સાયકલ પર સવાર થઈ ઝાલોદના લીમડી લીમખેડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક ફોરવીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોરવીલર ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વિજયભાઈ ની મોટરસાયકલને અડફેટમાં લેતા વિજયભાઈ અને ઘનશ્યામભાઈ મોટરસાયકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. જેને પગલે બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા નજીકના દવાખાના ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
આ સંબંધે મહેશભાઈ ગવલાભાઇ સંગાડાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.