ઝાલોદના લીમડી કારઠ રોડ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી 1.75 લાખની ચોરી કરી

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના કારઠ રોડ પર ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી બંધ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ તેમજ દુબઈના ધિરામ વગેરે મળી રૂપિયા 1.57 લાખની મત્તા ચોરીને લઈ ગયાનું પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.

હાલ લગ્નસરાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઘણા પરિવાર જનો લગ્ન પ્રસંગમાં જવા માટે પોતાના મકાનોને લોક મારી જતા હોય છે. ત્યારે આવા સમયે તસ્કરોને મોકલું મેદાન મળી રહ્યું છે અને આવા બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ જતા હોય છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ઝાલોદના લીમડી નગરના કારઠ રોડ પર ગત તારીખ 18-04- 2024 થી તારીખ 22-04 -2024 દરમિયાનના સમયગાળામાં ત્રાટકેલા તસ્કરોએ કારઠ રોડ પર રહેતા અને દરજી કામ કરતા 52 વર્ષીય રાકેશભાઈ ચંદ્રકાંતભાઈ દરજી તથા તેમના પરિવારજનો લગ્ન પ્રસંગમાં જવા માટે પોતાના મકાનને બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયા હતા. તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને તે બંધ મકાનના દરવાજાનું તાળું કોઈ હથિયાર વડે તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને મકાનમાં કબાટ તથા તિજોરીમાં મૂકી રાખેલ રૂપિયા 87,000/- ની કુલ કિંમતના સોના- ચાંદીના દાગીના તથા રૂપિયા 70 હજારની રોકડ રકમ તેમજ દુબઈના 90 ધિરામ મળી કુલ રૂપિયા 1.57 લાખની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ઘરફોડ ચોરીનો ભોગ બનેલા લીમડી નગરના કારઠ રોડ પર રહેતા રાકેશભાઈ ચંદ્રકાંતભાઈ દરજીએ લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કોડ તથા એફએસએલની મદદની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.