ઝાલોદના લીલવા ઠાકોર ગામની પરણિતાના પતિ અને સાસરીયા દ્વારા ત્રાસ અપાતા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ,દારૂના રવાડે ચડેલ પતિ તથા પૌત્રની ઝંખના રાખનાર સાસુ-સસરા દ્વારા વિસ્તારમાં છોકરો ન થવા બાબતે મહેણા ટોણા મારી છેલ્લા 19 વર્ષથી ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસથી વાજ આવેલ ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામની 36 વર્ષીય પરિણીત મહિલાએ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનુ જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના માંડલી ખુંટા ગામના નીચલા ફળિયામાં રહેતા ઉદેશીંગભાઈ વીરસિંગભાઈ ભાભોરની દીકરી 36 વર્ષીય કિંજલબેનના લગ્ન વર્ષ 2004માં લીલવા ઠાકોર ગામના બારીયા ફળિયામાં રહેતા શૈલેષભાઈ કીડિયાભાઈ બારીયા ખાતે તેના સમાજના રીત રિવાજ મુજબ થયા હતા અને લગ્ન બાદ એક વર્ષ સુધી કિંજલબેનને તેના પતિ તથા સાસુ સસરાએ સારૂં રાખ્યું હતું અને ત્યારબાદ પતિ શૈલેષભાઈ કીડીયાભાઈ બારીયા, સસરા કીડીયા ભાઈ લુંજાભાઈ બારીયા તથા સાસુ કાળીબેન કીડીયાભાઈ બારીયા એમ ત્રણેયનું પોત પ્રકાશ્યું હતું અને કિંજલબેનને તેના પતિ શૈલેષભાઈ અવારનવાર દારૂ પીને ઘરે આવી નજીવા કારણોસર બેફામ ગાળો બોલી મારકૂટ કરીને તથા સસરા કીડીયાભાઈ તેમજ સાસુ કાળીબેન દ્વારા ઘરના કામકાજ બાબતે તેમજ વિસ્તારમાં છોકરો ન થવા બાબતે મહેણા ટોણા મારી છેલ્લા 19 વર્ષથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા આવા અવારનવારના અમાનુષિ ત્રાસથી વાજ આવેલ કિંજલબેને તેના પતિ શૈલેષભાઈ બારીયા, સસરા કીડીયાભાઈ બારીયા તેમજ સાસુ કાળીબેન બારીયા વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈ.પી. કો કલમ 498 (ક) 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી કિંજલબેનના પતિ શૈલેષભાઈ કીડીયાભાઈ બારીયા, સસરા કીડીયાભાઈ લુંજાભાઈ બારીયા તેમજ સાસુ કાળીબેન કીડીયાભાઈ બારીયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.