ઝાલોદ, ઝાલોદ નગરના કોળીવાડા વાવડી ફળિયા વિસ્તારમાં ધંટી પાસેના પ્રશાંતભાઈ પાઠકના મકાનમાં ઉપરના માળે એકાએક આગ લાગી જતાં આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. તેમજ આ ધટનાની જાણ થતાં અગ્નિશામ દ્વારા ધટના સ્થળે આવીને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ જેના કારણે આગ ઓલવતા લગભગ એક થી દોઢ કલાકનો સમય લાગ્યો હતો. આગની ઝપેટમાં વધુ નુકસાન ન થાય તે માટે દાહોદના ફાયર ફાયટર પણ ઝાલોદ ખાતે આવી પહોંચ્યા હતા. આ ધટનાને પગલે ઝાલોદ પ્રાંત અધિકારી, મામલતદાર, પાલિકાના કર્મચારીઓ અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. આ બનાવને પગલે નગરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ધટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તેમજ આગની ઝપેટમાં મોટાપાયે ધરવખરી અને સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. અંદાજિત છ લાખ રૂપિયા જેટલુ નુકસાન થયુ હોવાનુ જાણવા મળેલ છે.