ઝાલોદના ખુટનખેડા ગામે તારની ફેન્સીંગ બાબતે ઝગડામાં સાત ઈસમો દ્વારા ત્રણ વ્યકિતને મારમારતાં ફરિયાદ

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ખુટનખેડા ગામે જમીનમાં તારની ફેન્સીંગ કરાવેલ તે તાર ફેન્સીંગ બાબતે થયેલ ઝઘડા તકરારમાં સાત જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં પથ્થરો, લાકડીઓ તેમજ લોખંડની પાઈપ લઈ દોડી આવી ત્રણ જેટલા વ્યક્તિઓને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

ગત તા.14મી જુલાઈના રોજ ઝાલોદના ખુંટનખેડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મંગળાભાઈ ઈમાલાભાઈ પરમાર દ્વારા પોતાના ગામમાં આવેલ જમીનમાં રોપાઓ રોપેલ હતાં તે રોપાઓ રસ્તે જતાં પશુઓ ખાઈ ન જાય તે માટે તારની ફેન્સીંગ કરાવેલ હતી. તે તારની ફેન્સીંગ બાબતે ગામમાં રહેતાં નરસીંગભાઈ રામજીભાઈ, વિપુલભાઈ નરસીંગભાઈ, વેલજીભાઈ સુરતાનભાઈ ત્રણેય જાતે પરમાર, મોહનભાઈ મલુભાઈ મંડોડ, મહેન્દ્રભાઈ મગાભાઈ પરમાર, દિપાભાઈ મગાભાઈ પરમાર અને લાલાભાઈ જગજીભાઈ પરમારનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે હાથમાં પથ્થરો, લાકડીઓ તેમજ લોખંડની પાઈપ લઈ મંગળાભાઈ ઈમાલાભાઈ પરમાર પાસે દોડી આવ્યાં હતાં અને તારની ફેન્સીંગ તોડી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને છુટ્ટા પથ્થરો વડે તેમજ લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મંગળાભાઈ, સુર્યકાંન્ત અશ્ર્વિનભાઈ પરમાર તથા મંગળાભાઈના પૌત્રને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મંગળાભાઈ ઈમાલાભાઈ પરમારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.