દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણી ગામે એક 21 વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં પરણિતાએ ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
ઝાલોદના ટાંડી ગામે નિશાળ ફળિયામાં રહેતાં 21 વર્ષિય સંજનાબેન રાકેશભાઈ ભાભોરના લગ્ન ગત તા.09.04.2023ના રોજ ઝાલોદના ખરસાણી ગામે સરપંચ ફળિયામાં રહેતાં કિરણભાઈ હરસિંગભાઈ કિશોરી સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પતિ કિરણભાઈ તથા સાસુ સુબીબેન હરસિંગભાઈ કિશોરી દ્વારા પરણિતા સંજનાબેનને સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યુ હતું .
અવાર નવાર મેણા ટોણા મારી પતિ કિરણભાઈ કહેલ કે, હું તો બીજી પત્નિ લાવીશ જ તારે જે કોર્ટ કચેરી કરવી હોય તે કરી લે, તેમ કહી બેફામ ગાળો બોલી મારઝડુ કરતો હતો અને પરણિતાની સાસુ સુબીબેન કહેલ કે, તુ અણારી ચઢાવેલ દાગીના અમને આપીને જતી રહે, હુ મારા દીકરાને બીજી પત્નિ કરાવીશ, તેમ કહી બંન્ને માતા-પુત્ર પરણિતા સંજનાબેનને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા સંજનાબેને પોતાના પિયરની વાટ પકડી હતી અને આ સંબંધે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.