ઝાલોદના ગરાડુ ગામે નીલગીરી લાકડાં ભરેલ ટ્રક અને ઈકો ગાડીને અલગ-અલગ વાહનોમાં આવેલ 15 લોકોના ટોળા લાકડા લુંટી લઈ ચાલક સહિતને મારમારતાં ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે ગતરોજ સાંજે મેલડી માતાના મંદીર પાસે રોડ પર નીલગીરીના લાકડા ભરેલ ટ્રકને તથા ઈકો ગાડીને ઝાલોદના અલગ અલગ વાહનો લઈ આવેલા 10 થી 15 જણાઓએ અવરોધ ઉભો કરી રોકી અટકાયતમાં લઈ ટ્રક તેમજ ઈકો ગાડીમાં બેઠેલાઓને મોબાઈલ ઝુંટલી લઈ મારમારી ટ્રક લુંટી લઈ ઝાલોદ કસ્બામાં લાવી ટ્રકમાં ભરેલ નીલગીરાના લાકડા ઉતારી લુંટી લઈ ટ્રક ચાલક તથા તેની સાથેના અન્યને માર મારી ઈજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ભેસાલ ગામના બેચરલ લાખાવાળા ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ મગનભાઈ પગી તથા વિનોદભાઈ એમ બંને જણા પોતાની ટ્રકમાં આશરે 76 હજાર ઉપરાંતની કિંમતના નીલગીરીના લાકડા ભરી ટ્રક તથા એક ઈક્કો ગાડીમાં અન્ય મજુરોને લઈ ગઈકાલ સાંજે છ વાગ્યાના સુમારે ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે મેલડી માતાના મંદીર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે ઝાલોદના રસીદભાઈ અબ્દુલભાઈ ટીમીવાલા તથા તેની સાથે સ્વીફટ ફોરવ્હીલ ગાડી તથા પાંચેક જેટલી મોટર સાયકલ વગેરે પર આવેલ 10 થી 15 જણાએ રોડ પર અવરોધ ઉભો કરી નીલગીરીના લાકડા ભરેલ ટ્રક અને ઈકો ગાડી રોકી ગાડીની અટકાયત કરી ટ્રક અને ઈકો ગાડીમાં બેઠેલ તમામના મોબાઈલ ઝુંટવી લઈ મારમારી તમામને અટકાયતમાં રાખી ઝાલોદના રસીદભાઈ અબ્દુલભાઈ ટીમીવાલાએ ગાળો બોલી તમો કોને પુછીને લાકડા કાપવા આવ્યો છો ? ઝાલોદ વિસ્તારમાં લાકડાનો ધંધો કરવા માટે મારી પરમીશન લેવી પડે. તેમ કહી ભેસાલ ગામના જીતેન્દ્રભાઈ મગનભાઈ પગી તથા વિનોદભાઈને લાકડી વડે મારમારી શરીરે ઈજાઓ પહોંચાડી તથા તેઓની સાથે આવેલી મજુરોને પણ મારમારી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી ટ્રકમાં ભરેલ આશરે 70 હજાર ઉપરાંતની કિંમતના નીલગીરીના લાકડા લુંટી લીધા હતા.

આ સંબંધે પંચમહાલ જીલ્લાના ભેસાલ ગામના જીતેન્દ્રભાઈ મગનભાઈ પગીએ નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલીસે ઝાલોદના રસીદભાઈ અબ્દુલભાઈ ટીમીવાલા તથા તેની સાથેના અન્ય માણસો વિરૂધ્ધ ઈપિકો કલમ 395, 341, 342, 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.