દાહોદ, ચાલકની ગફલતને કારણે પુરપાટ દોડી જતી મોટર સાયકલ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ખોડીયાર માતાના મંદીર પાસે રોડની બાજુમાં સ્લીપ ખાઈ જતાં ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના નવી પરી ફળિયામાં રહેતો 21 વર્ષીય અલ્કેશભાઈ સુરમલભાઈ હઠીલા ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેના કબજાની જીજે-20 બીબી-1277 નંબરની બજાજ પ્લેટીના મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન તેના જ ગામના ખોડીયાર માતાના મંદીર પાસે મોટર સાયકલની વધુ પડતી ઝડપના કારણે રોડની સાઈડમાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આ સંબંધે મરણજનાર અલ્કેશભાઈ સુરમલભાઈ હઠીલાના પિતા સુરમલભાઈ મગનભાઈ હઠીલાએ લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.