ઝાલોદના ડુંગરી ગામે આધારકાર્ડ નહિ આપવા મામલે મારમારી થતાં બે ને ઈજાઓ

દાહોદ,\આધારકાર્ડ નહીં આપવાના મામલે દાહોદ તાલુકાના ડુંગરી ગામે ગતરોજ બપોરે થયેલ ધિંગાણામાં લોખંડની પાઈપ તથા લોખંડની કોશ ઉછળતાં બે જણાને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.

ડુંગરી ગામના ગામતળ ફળિયાના હઠીલા પરિવારના દીલીપભાઈ સામજીભાઈ, છગનભાઈ કાળુભાઈ, મનહરભાઈ તેરસીંગભાઈ, શાંતીલાલ નારસીંગભાઈ તથા અમીતભાઈ અર્જુનભાઈએ એક સંપ કરી રહેલા સંજયભાઈ કાનજીભાઈ ભુરીયા તથા કલ્પેશભાને, તમે આધાર કાર્ડ કેમ આપતાં નથી. તેમ કહીને બેફામ ગાળો બોલી દીલીપભાઈ હઠીલાએ તેના હાથમાંની લોખંડની પાઈપથી સંજયભાઈ ભુરીયાને જમણા હાથે મારી હાથ ફ્રેક્ચર કરી નાંખ્યો હતો. જ્યારે મનહરભાઈ તેરસીંગભાઈ હઠીલાએ લોખંડી પાઈપથી બરડામાં મારમારી ઓછી-વત્તી ઈજાઓ પહોંચાડી હતી. આ સમયે સંજયાઈ ભુરીયા છોડાવવા કલ્પેશભાઈ વચ્ચે પડતાં શાંતીલાલ નારસીંગભાઈ હઠીલાએ કલ્પેશભાઈને ડાબા પગે લોખંડની પાઈપ મારી પગ ભાંગી નાંખ્યો હતો. તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. તેમજ છગનભાઈ કાળુભાઈ હઠીલા તથા અમીતભાઈ અર્જુનભાઈ હઠીલાએ સંજયભાઈ તથા કલ્પેશભાઈને લોખંડની પાઈપ તથા કોસ ગોદાઓ મારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી.

આ સંબંધે ડુંગરી ગામના ભુરીયા ફળિયાના ઈજાગ્રસ્ત સંજયભાઈ કાનજીભાઈ ભુરીયાની ફરિયાદને આધારે લીમડી પોલીસે ડુંગરી ગામના ગામતળ ફળીયાના હઠીલા પરિવારના ઉપરોક્ત પાંચે જણા વિરૂધ્ધ ઈપિકો કલમ 325, 143, 147, 148, 149, 504 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.