દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ભરબપોરે મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક ફાઈનાન્સ કંપનીના કર્મચારીને ત્રણ જેટલા અજાણ્યા લુંટારૂઓએ ફાઈનાન્સ કંપનીના રિકવર કરેલા રૂા.40,850ની રોકડની લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગામે કાનપુર ફળિયામાં રહેતાં અને લાઈટ માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતાં લસુભાઈ સરદારભાઈ ભાભોર ગત તા.10મી ઓક્ટોમ્બરના રોજ ફાઈનાન્સ કંપનીના રિકવર કરેલ નાણાંની ઉઘરાણી કરી મોટરસાઈકલ પર સવાર થઈ ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામેથી બપોરના 12.45 વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતા. તે સમયે ત્રણ જેટલા અજાણ્યા ઈસમો 20થી 25 વર્ષની ઉંમરના જેઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ આવ્યાં હતાં અને લસુભાઈની મોટરસાઈકલને લાત મારી લસુભાઈને જમીન પર પાડી દીધાં હતાં અને લસુભાઈને દબાવી દેતાં લસુભાઈએ બુમાબુમ કરતાં લસુભાઈને મારી નાંખવાની ધમકીઓ આપી તેઓની રોકડા રૂપીયા ભરેલ બેગમાંથી ફાઈનાન્સના રિકવર કરેલ રોકડા રૂપીયા 40,850ની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી ગયાં હતાં.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ લસુભાઈ સરદારભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.