ઝાલોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પર પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડી માંથી પોલીસે રૂા.39,690ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.3,39,690ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લાની ઝાલોદ પોલીસ લોકસભાની ચુંટણી તેમજ લગ્નસરાની સિઝન ચાલતી હોઈ ગેરકાયદેસર રીતે નગરમાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડનાર ઈસમો પર સતત વોચ રાખી રહેલ છે. ઝાલોદ નગરના પી.એસ.આઇ એમ.એમ.માળી તેમજ પો.સ.ઇ સી.કે.સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળેલ હતી કે રાજસ્થાન મોનાડુંગર તરફથી એક ઈસમ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીમાં ગેરકાયદેસર રીતે દારૂ લઈને આવી રહેલ છે, તેના આધારે ઘાવડીયા ચેક પોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધરેલ હતું. ચેકીંગ સમયે બાતમી વાળુ વાહન આવતા તેને રોકવા માટે ઈસારો કરતા ચાલક દ્વારા ગાડી પલટાવી નાશી જવાની કોશિષ કરવામાં આવતા પોલીસ દ્વારા ગાડી કોર્ડન કરી ગાડી સાથે એક ઈસમ જેનું નામ મૂકેશ મગનલાલ કલાલ ( તેજપુર, બાંસવાડા) ને ઝડપી પાડવામાં આવેલ હતો. તેમજ ગાડીની અંદર તપાસ કરાતા ગાડીની અંદર થી દારૂની કુલ નવ પેટી માલ મળી આવેલ હતો. દારૂની કુલ 210 બોટલ જેની અંદાજીત કિંમત 39,690 તેમજ ગાડીની કિંમત મળી પોલીસે કુલ 3,39,690 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.