ઝાલોદના દેવજીની સરસવાણી ગામે લગ્ન પ્રસંંગમાં નાચતી વખતે ધકકા-મૂકકી થતાં 7 ઈસમોએ ધિંગાણું મચાવી પાંચ વ્યકિતને ઈજાઓ પહોંચાડી

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે લગ્ન પ્રસંગમાં નાચગાન દરમ્યાન થયેલ ધક્કા મુક્કી થતાં મહિલા સહિત સાત જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં મારક હથિયારો ધારણ કરી આવી બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને તલવાર વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગત તા.07મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે લગ્ન પ્રસંગ દરમ્યાન નાચગાનમાં ધક્કા મુક્કી થઈ હતી અને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે આ લગ્ન પ્રસંગનું નાચગાન દેવજીની સરસવાણી ગામે આવતાં દેવજીની સરસવાણી ગામે રહેતાં મેહુલભાઈ બબલાભાઈ ડોડીયાર, મોગલીબેન ઉર્ફે રમીલાબેન બાબુભાઈ ડોડીયાર, રાહુલભાઈ બાબુભાઈ ડોડીયાર, રોહીતભાઈ દીનેશભાઈ ડોડીયાર, જીતુભાઈ મધુભાઈ ડોડીયાર, િઋતિકભાઈ બબલાભાઈ ડોડીયારર અને સંજયભાઈ શાન્તીલાલ ડોડીયારનાઓ પોતાના હાથમાં મારક હથિયારો સાથે ઘસી આવી દેવજીની સરસવાણી ગામે પટેલ ફળિયામાં રહેતાં સુનિતાબેન નિકેશબાઈ વસૈયા સાથે બોલાચાલી કરી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ તલવાર, લાકડી વડે સુનિતાબેન, કાર્તીકભાઈ કનુભાઈ માલીવાડ, સંગીતાબેન, નિલેશભાઈ અને નિપેશભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ સંબંધે ઈજાગ્રસ્ત સુનીતાબેન નિકેશભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.