ઝાલોદના છાવણ ગામે વાસણ ગોઠવતી વખતે 27 વર્ષીય યુવતિને વીજ કરંટ લાગતા સારવાર દરમિયાન મોત

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના છાવણ ગામે પોતાના પિયરમાં મહેમાનગતિ માણવા આવેલ 27 વર્ષીય યુવતીનું વાસણ ગોઠવતી વખતે ઘરના ઈલેક્ટ્રીક વાયરથી વિજ કરંટ લાગતા સારવાર દરમિયાન મોત નીપજયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

ઝાલોદ તાલુકાના છાયણ ગામના મહેશભાઈ તેરસિંગભાઈ સંગાડાની દાહોદ તાલુકાના ચોસાલા ગામે ડોબાખોલ ફળિયામાં રહેતા જેસલભાઈ બાબુભાઈ ભાભોર સાથે પરણાવેલ દિકરી 27 વર્ષિય જયાબેન હાલ ઉનાળુ વેકેશન પડ્યું હોવાને કારણે વેકેશનમાં મહેમાનગતિ માણવા છાયણ ગામે પોતાના પિયરમાં આવી હતી અને ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે જમી પરવારીને વાસણો સાફ કરી મનિષાબેન સાથે ઘરના અંદરના ભાગે આવેલ કોઠામાં લાકડાના પાટીયા ઉપર વાસણો ગોઠવી રહી હતી. તે વેળાએ લાકડાના પાટિયા નજીકથી પસાર થઈ રહેલ ઘરનો ઈલેક્ટ્રીક વાયર થોડો ખુલ્લો રહી ગયો હોવાથી જયાબેનનો હાથ તે ખુલ્લા વાયરને અડી જતા જયાબેનને સખત વીજ કરંટ લાગતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું. આ સંબંધે મરણ જનાર જયાબેનના માતા રમીલાબેન મહેશભાઈ સંગાડાએ ચાકલિયા પોલીસ સ્ટેશને જાણ કરતા આ સંદર્ભે ચાકલિયા પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.