ઝાલોદના બાજરવાડા ગામે લગ્ન બાબતે નિકાલ નહિ કરવા મામલે 7 ઈસમો દ્વારા બે વ્યકિતના અપહરણ કરતાંં ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે લગ્ન બાબતે નિકાલ નહીં કરવા બાબતે સાત જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને રસ્તામાં રોકી મોટરસાઈકલ પર બળજબરીપુર્વક બેસાડી અપહરણ કરી લઈ નાસી જઈ ગેરકાયદેસર અટકાયતમાં રાખતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

ગત તા.30મી માર્ચના રોજ ઝાલોદના વાંકોલ ગામે રહેતાં શૈલેષભાઈ કીડીયાભાઈ મહીડા, પપ્પુભાઈ મહીડા, પિયુષભાઈ મહીડા, વિનોદભાઈ મહિડા તથા તેમની સાથે અન્ય ત્રણ જેટલા ઈસમોએ બાજરવાડા ગામેથી પસાર થઈ રહેલા નરેશભાઈ સીસકાભાઈ ડામોર તથા તેમની સાથેના સુનિલભાઈ ભુરસીંગભાઈ ડામોરનાઓને કહેલ કે, લગ્ન બાબતેનો નિકાલ કરો નહી તો તમને જવા નહી દઈએ, નિકાલ થશે તોજ જવા મળશે, તેમ કહેતાં નરેશભાઈ થતા સુનિલભાઈ તેમના ઘરે જવા નીકળ્યાં હતાં તે દરમ્યાન રસ્તામાં ઉપરોક્ત સાતેય ઈસમોએ નરેશભાઈ તથા સુનિલભાઈને મોટરસાઈકલ રોકી અવરોધ કરી જ્યાં સુધી નીકાલ નહી થાય ત્યાં સુધી તમને જવા નહી મળે તેમ કહી મોટરસાઈકલ પર નરેશભાઈ તથા સુનિલભાઈને બળજરીપુર્વક બેસાડીઈ અપહરણ કરી વાકોલ ગામે લઈ જઈ ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યાં હતાં ત્યારે ત્યાંથી જેમતેમ કરી ઉપરોક્ત ઈસમોના ચંગુલમાંથી છુટી પોતાના ઘરે આવેલા નરેશભાઈ સીસકાભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.