ઝાલોદ મુસલમાન ઘાંચી સમાજના કબ્રસ્તાનની નજીક નગરપાલિકા દ્વારા નગરનો કચરો ઠાલવતા ઘાંચી સમાજમાં જોવાતો આક્રોશ

  • મુસ્લિમ સમાજના લોકો દ્વારા આ અંગે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.

ઝાલોદ, ઝાલોદ રામસાગર તળાવ નગરના લોકો માટે સાંજે ફરવા માટે એક ઉત્તમ અને રમણીય સ્થળ છે. રામસાગર તળાવની પાસે મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે. મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અહીં હોવાથી મુસ્લિમ સમાજની અહીંયાં અવારનવાર આવન જાવન રહ્યા કરે છે. મુસ્લિમ સમાજ ઘાંચી સમાજના કબ્રસ્તાનની નજીક નગરના લોકો માટે આવન જાવન માટે ખુલ્લો રોડ આવેલો છે. આ રસ્તાનો ઉપયોગ નગરના લોકો કાયમ કરતા રહે છે.

મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં નગરપાલિકા દ્વારા આખાં નગરનો કચરો અહીં લાવીને ઠાલવવામાં આવે છે. આ ખુલ્લી જગ્યામાં કચરો એટલો બધો વધી ગયેલ છે કે આ કચરા માંથી પશુ પક્ષી અને રખડતા જાનવરો અહીંયાં ગંદો કચરો ખાવા આવે છે. અસહ્ય વાંસ મારતો કચરો અહીં નીકળતા લોકો માટે માથાનો દુ:ખાવો બની ગયેલ છે. મુસ્લિમ સમાજના તહેવારોમાં કબ્રસ્તાનમાં અહીં સામૂહિક નમાઝ પણ કરવા આવતા હોય છે, તેમજ મુસ્લિમ સમાજમાં કોઈ મરણ થયેલ હોય તો આખું સમાજ અહીંયાં આવતું હોય છે. જેથી મુસ્લિમ સમાજને આવા અસહ્ય વાસ નો સામનો કાયમ કરવો પડે છે.

મુસ્લિમ સમાજ દ્વારા કેટલીયવાર આ અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો નગરપાલિકામાં કરવામાં આવેલ છે. છતાંય તંત્ર આ અંગે કોઇ પગલાં લેવા તૈયાર નથી. મુસ્લિમ સમાજના આગેવાનોના કહેવા મુજબ હવે જો નગરપાલિકા આ કચરો અહીંયાથી હઠાવી સાફ નહીં કરાવે તો મુસ્લિમ સમાજ કોઈ પણ જાતના આવેદન વગર આ તમામ કચરો ટ્રેક્ટરમાં ભરી નગરપાલિકામાં ઠાલવી દેશે અને આ અંગે સમગ્ર જવાબદારી જવાબદાર તંત્રની રહેશે.

સમગ્ર મુસ્લિમ સમાજ આ અસહ્ય ગંદકી થી ત્રાહિમામ પોકારી ચૂકી છે અને આ સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ આવે તેવું મુસ્લીમ સમાજ ઇચ્છી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં મોટાં મોટાં ખાડાઓ પણ પડી ગયેલ છે અને આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે, તો આવા પાયાના મુદ્દાઓનું ધ્યાન રાખી કાયમી રસ્તો કરે તેવી માંગ સમસ્ત મુસ્લિમ સમાજ કરી રહી છે.