ઝાલોદ મૌલાના આઝાદ સ્કૂલનો રસ્તો બિસ્માર : બાળકોને અભ્યાસ કરવા આવવા જવામાં તકલીફ

  • સ્થાનિક રહેવાસીઓના કહેવા પ્રમાણે છેલ્લા દસ વર્ષથી રોડ રસ્તા બનાવવામાં આવેલ નથી.
  • નગરપાલિકા જો સત્વરે આ માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિક રહેવાસીઓ દ્વારા ચીમકી.

ઝાલોદ,ઝાલોદ પડી મહુડી રોડ પર મૌલાના આઝાદ હાઈસ્કૂલ આવેલ છે. આ સ્કૂલમાં આસરે 300 થી વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે સ્કૂલમાં આવતા જતા હોય છે.અહીં સ્કૂલમાં આવાતા જતા વિધાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ ને તૂટેલા અને બિસ્માર રોડ પર આવન જાવન કરવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ત્યાં આવેલ સહલ નગર સોસાયટીમાં વસવાટ કરનાર રહેવાસીઓ દ્વારા નગરપાલિકાને લેખિત અને મૌખિક રજુઆતો કેટલીય વાર કરવામા આવવા છતાય આ સમસ્યાને ધ્યાને લેવામાં આવતું નથી અને કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવતું નથી.

ઝાલોદ મૌલાના આઝાદ સકૂલથી લઈ આ રોડ પડી મહુડીના માર્ગને જોડતો માર્ગ છે. જેથી આ રસ્તા પરથી વાહનવ્યવહાર પણ સતત ચાલ્યા કરે છે. આ માર્ગ પર ખાડા અને બિસ્માર રસ્તાઓ ને લઈ કેટલીય વાર નાના વાહનચાલકો પડી ગયેલ હોવાના બનાવો બનેલ છે તેમજ બિસ્માર રોડને લઈ વાહનો પંચર બનતા હોવાના બનાવ પણ છાસવારે બનતા હોય છે. આ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ રહેતી હોવાથી કોઈ ગંભીર બનાવો પણ સર્જાઈ શકે તેમ છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી અહીંથી આવન જાવન કરનાર લોકો માટે અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે. આ બિસ્માર રસ્તાઓના લીધે કોઈ પણ જાતના અકસ્માત સર્જાય તો તે માટે જવાબદાર કોણ..? જવાબદાર તંત્ર સ્થાનિક લોકોની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવું અહીંના લોકો ઇચ્છી રહ્યાં છે.

સ્થાનિકોના કહેવા મુજબ મૌલાના આઝાદ સ્કૂલ આવવા જવાના રસ્તાને લઈ નગરપાલિકાના કોઈ પણ ઉમેદવારો દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી અને જો સત્વરે આ તૂટી ગયેલ રોડ ને સારી ગુણવત્તા વાળો બનાવી આપવામાં નહીં આવે તો આ વિસ્તારમાં આવેલ સ્થાનિક લોકો આવનાર નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ તુટી ગયેલ અને બિસ્માર રોડને લઈ કેટલીય વાર સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા બાળકો પડી ગયા હોય તેવી ઘટના બનેલ છે. અહીં સ્થાનિક સહલ નગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ તુટી ગયેલ રોડને લઈ ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને આવનાર સમયમાં જવાબદાર તંત્ર દ્વારા જો ઠોસ પગલા લેવામાં નહીં આવે તો અહીંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવેલ છે. સ્થાનિક તંત્ર આ સમસ્યાને ગંભીર રીતે લઈ આ અંગે ઠોસ પગલા લેશે કે કામચલાઉ કામગીરી કરશે…? સ્થાનિક લોકો આ અંગે હવે કાયમી પાકા રસ્તાની માંગ કરી રહેલ છે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવેતો આગામી સમયમાં ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવનાર છે.