- ઝાલોદ તાલુકાની ચણાસરની મુખ્ય પ્રાથમીક શાળામાં કાચુ ભોજન અપાતુ હોવાના વ્યાપક આક્ષેપો.
દાહોદ, દાહોદ જીલ્લાની ઝાલોદ તાલુકાની ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને કાચું તેમજ ગુણવત્તા વગરનું ઢોરો ખાય તેવું ભોજન અપાતું હોવાના હોવાના વ્યાપક આક્ષેપો થતા એક્શનમાં આવેલ ઝાલોદ મામલતદારે ચણાસર પ્રાથમિક શાળાના પીએમ પોષણ સંચાલક કમ કુકને શોકોઝ નોટિસ પાઠવી દિન બે માં લેખિત ખુલાસો કરવા જણાવતા સમગ્ર ઝાલોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઝાલોદ તાલુકાની ચણાસર મુખ્ય પ્રાથમિક શાળાના ભૂલકાઓને ગત તારીખ 22-6-2024 ને શનિવારના રોજ ભોજનમાં ખીચડી અપાઈ હતી. જે ભોજન કાચું અને ગુણવત્તા વિનાનું અને ઢોરો ખાય તેવું હોવાના વાલીઓ તેમજ ભૂલકાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને આ ગંભીર આક્ષેપો કરતા સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા ઝાલોદ મામલતદાર એક્શનમાં આવ્યા હતા.
અને તેઓએ પોતાની કચેરીના પીએમ પોષણ યોજનાના નાયબ મામલતદાર અને સુપરવાઇઝર ને ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં ત્વરિત તપાસ માટે મોકલ્યા હતા. જેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળાના અમુક બાળકોને આ મામલે પૃચ્છા કરતા તેઓએ પણ જણાવેલ કે શનિવારના રોજ આપવામાં આવેલ ભોજન (વેજ પુલાવ) કાચું અને ગુણવત્તા વગરનું હતું. તથા ચણાસર મુખ્ય પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જણાવેલ કે ભોજનમાં હળદર અને મસાલાનું પ્રમાણ ઓછું હોવાને લીધે વેજ પુલાવ સફેદ દેખાય છે. જે યોગ્ય નથી.
આ પ્રમાણેની ભોજનમાં જણાતી ક્ષતિઓને કારણે ઝાલોદ મામલતદારે આ બાબતે દિન બેમાં લેખિત ખુલાસો કરવા માટે ચણાસર મુખ્ય પ્રાથમિક શાળાની પીએમ પોષણ સંચાલક મમતાબેન કલાભાઈ ડામોરને શોકોઝ નોટિસ આપતા ઝાલોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ શાળાના ભૂલકાઓને હલકી ગુણવત્તાવાળું કાચું ભોજન આપતા આવા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.