ઝાલોદ, ઝાલોદ નગરમાં પાલિકા દ્વારા પ્રભુતા પાર્ટી પ્લોટ પાસેના રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓનુ સમારકામ કરવાની જગ્યાએ મેટલ નાંખવામાં આવતા પસાર થતાં વાહનોમાંથી પથ્થરો ઉડવાના કારણે બે બાળકો અને એક બાળકીને ઈજાઓ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઝાલોદ નગરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોવાના કારણે નગરજનો ત્રસ્ત બન્યા છે ત્યારે ખાડા પુરવા માટે તંત્રને રજુઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા ખાડાઓ રિપેર કરવાની જગ્યાએ ફકત સંતોષ માટે પથ્થરની મેટલ નાંખીને ખાડાઓ પુરવામાં આવતા છુટા પથ્થરો પસાર થતાં ટ્રકમાંથી ઉડતા બે બાળકો, એક બાળકીને શરીરમાં તેમજ માથામાં વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ મેટલના કારણે ટ્રકનુ ટાયર ફુટતા નગરજનો ધાયલ થયા હતા. અનેકવાર રજુઆતો બાદ તંત્ર દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમાંય ધમધમતા રસ્તાના ખાડાઓમાં મેટલ પાથરી દેવામાં આવતા નગરજનોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.