ઝાલોદના ચાણાસરમાં બાળકોને ગુણવત્તા વિહોણુ ભોજન આપવાથી મામલતદારે ખુલાસો માંગ્યો

ઝાલોદ તાલુકાના ચાણાસર ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને ગુણવત્તા વિહોણુ ભોજન આપવામાં આવતુ હોવાથી મામલતદારે પી.એમ.પોષણ સંચાલક કમ કુકને નોટિસ ફટકારી છે. આ સાથે 24મી તા.સુધી ખુલાસો કરવા પણ જણાવ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ચણાસરની મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને ગુણવત્તા વગરનુ ભોજન આપવા માટે પીએમ પોષણ યોજનાના નાયબ મામલતદાર અને સુપરવાઈઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં શાળાના અમુક બાળકોની પુછપરછ કરવામાં આવતા વેજ પુલાવ કાચુ હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. શાળાના ઈ.આચાર્યે પણ ભોજનમાં હળદર, મસાલાનુ પ્રમાણ ઓછુ હોવાને કારણે વેજ પુલાવ સફેદ જેવો દેખાતો હોવાનો ખુલાસો કર્યો હતો. આ મામલે ઝાલોદ મામલતદારે પીએમ પોષણ સંચાલક કમ કુક તરીકે ફરજ બજાવતા મમતાબેન ડામોરને ગુણવત્તાયુકત ભોજન નહિ બનાવવા માટે નોટિસ આપી હતી. આ નોટિસમાં 24મી જુન સુધી લેખિત ખુલાસો કરવા માટે પણ જણાવવામાં આવ્યુ હતુ. આ બાબતની ચુક થશે તો કશુ કહેવુ નથી તેમ માનીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની પણ નોંધ લેવા જણાવવામાં આવ્યુ છે.