
દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં વધારો નોંધાંયો છે. જેમાં1 એપ્રિલના રોજથી રૂા.15થી 20નો ટોલટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. 1 એપ્રિલથી અહીંથી પસાર થતાં વાહન ચાલકોને વધુ નાણાં ચુકવવા પડશે.
ઝાલોદના લીમડી-વરોડ ટોલ નાકુ હર હંમેશ કોઈને કોઈ ચર્ચાઓ રહેતું આવ્યું છે. થોડા દિવસો પહેલા આ વિસ્તારના સ્થાનીક રહીશો દ્વારા આ ટોલનાકાનો વિરોધ કરી સ્થળ પર ધરણા પ્રદર્શન, ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાંવ્યો હતો અને આ ટોલનાકુ બોગસ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારે સ્થાનીક લોકોના સમર્થનમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીના લોકોએ પણ આ વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ધરણા પ્રદર્શન, ચક્કાજામને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત ભુતકાળમાં પણ આ ટોલનાકાનો વિરોધ થઈ ચુક્યો છે. ત્યારે તેવા સમયે આ ટોલનાકામાં 1 એપ્રિલથી ટોલબુથના ટેક્સમાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં લોડિંગ ટ્રકોમાં રૂા.15થી 20નો વધારો ઝીંકવામાં આવ્યો છે. કારમાં રૂપીયા 5 અને એસટી બસમાં 12નો વધારો થયો છે. 1 એપ્રિલથી વાહન ચાલકોએ વધુ નાણાં ચુકવવા પડશે ત્યારે આ ટોલનાકા વિરોધ વંટોળ વચ્ચે ટોલ ટેક્સમાં વધારો થતાં આગામી દિવસોમાં આ ટોલનાકાને લઈ સ્થાનીકો અને વાહન ચાલકોમાં કેવા પ્રકારનો માહૌલ જોવા મળશે તે હાલ કહી શકાય તેમ નથી, પરંતુ ક્યાંકને ક્યાંક આ ટોલનાકુ હરહંમેશની જેમ જે રીતે ચર્ચાઓમાં ઘેરાયેલુ છે, તે જોતા ટોલ ટેક્સમાં ભાવ વધારા બાદ સ્થાનીકો તેમજ વાહન ચાલકોનો મીજાજ બદલાશે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.