દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક પરિવારના ધરે રાત્રે આવેલા તસ્કરોએ મકાનમાં રૂ.19 હજારની મત્તાની ચોરી કરી હતી. મકાન માલિકે ધરની બહાર લગાવેલા સીસીટીવીમાં તસ્કરો જોવાતા સાથે લીમડી પોલીસને ફોન મારફતે જાણ કરી હતી. પોલીસે મકાન માલિક સાથે માત્ર ટાઈમ પાસ કરી તેમજ ગેરવર્તણુંક કરી ધટના સ્થળે ન જતાં આ અંગેની વાતચીતનો ઓડિયોનો ક્લિપ મકાન માલિક દ્વારા પોલીસ સમક્ષ રજુ કરી લીમડી પોલીસ મથકના પીએસઓને ફરજ પર નિષ્કાળજીને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.
ઝાલોદના લીમડી નગરમાં ઝાલોદ રોડ ખાતે રહેતા દેવેન્દ્રકુમાર પુરૂષોત્તમભાઈ ભટેવરાના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરો આવ્યા હોવાનુ દેવેન્દ્રકુમારને માલુમ પડતા તેઓએ પોતાના ધરની બહાર તેમજ દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરાને પોતાના મોબાઈલ ફોન મારફતે જોતા ધરની બહાર બે-ત્રણ તસ્કરો જોવા મળ્યા હતા. આ અંગેની જાણ દેવેન્દ્રકુમારે પોતાને પણ કરી હતી.
દેવેન્દ્રકુમાર દ્વારા તાત્કાલિક આ અંગેની જાણ મોબાઈલ ફોન મારફતે લીમડી પોલીસ મથકે કરી હતી. લીમડી પોલીસ મથકે રાત્રિના સમયે પોતાની ફરજ પરના પીએસઓ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોરે ફોન ઉપાડતા તેઓ દ્વારા દેવેન્દ્રકુમાર સાથે માત્ર સમયનો વેડફાટ કરી દેવેન્દ્રકુમારને પોલીસમાં ફરિયાદ આપવાનુ કહ્યુ હતુ. તેમના આવા જવાબથી દેવેન્દ્રકુમાર તથા તેમના પરિવારજનોને આશ્ર્ચર્ય થયુ હતુ. તસ્કરોએ દેવેન્દ્રકુમારના મકાનના દરવાજાને બહારથી સ્ટોપ મારી દીધી હતી. પીએસઓ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોર દ્વારા દેવેન્દ્રકુમાર સાથે ગેરવર્તણુંક કરતા આ અંગેની વાતચીતનો ઓડિયો ક્લિપ દેવેન્દ્રકુમાર દ્વારા ઝાલોદ ડીવાયએસપી સમક્ષ રજુ કર્યો હતો.
બનનાવની ગંભીરતાને ઘ્યાનમાં લઈ પીએસઓ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોરની ફરજ પરની નિષ્કાળજીને પગલે ઝાલોદના ડીવાયએસપી દ્વારા આ બનાવનો સમગ્ર રિપોર્ટ દાહોદ જિલ્લા પોલીસ વડાને સુપરત કર્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા લીમડી પોલીસ મથકના પીએસઓ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હતા. તસ્કરોએ દેવેન્દ્રકુમારના મકાનના બીજા માળે પહોંચી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના જેની કુલ કિ.રૂ.19,000/-ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સંબંધે દેવેન્દ્રકુમાર પુરૂષોત્તમભાઈ ભટેવરાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.