ઝાલોદ, ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત મણલાલ ચુનીલાલ કોઠારી પ્રા.શાળા અને જે.વી.શેઠ સ્કુલમાં આચાર્ય દ્વારા ફી ન ભરનારા બાળકોના રીઝલ્ટ અટકાવી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સાથે વાલીઓ અને આગેવાનો દ્વારા શિક્ષણ વિભાગમાં અધિકારીઓને જાણ કરીને આવેદન આપ્યુ હતુ. જેમાં ઝાલોદ કેળવણી મંડળ સંચાલિકત શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ હોવા છતાં ગેરકાયદે ફી વસુલે છે. વર્ષોથી કેળવણી મંડળ સંચાલિકત 1 થી 8ની શાળાઓ બાળકોને શિક્ષણ આપી રહી છે. આ શાળામાં સરકારના પરીપત્ર પ્રમાણેનો વહીવટ કરવાનો છતાં શિક્ષણ વિભાગના પરીપત્ર વિરુદ્ધ જઈ ગેરકાયદે ફી ઉઘરાવે છે. કેળવણી મંડળને લાખો રૂપિયાનુ દાન મળે છે. મંડળના પોતાના શોપિંગ સેન્ટરો હોવાથી દર માસે મોટા પ્રમાણમાં આવક થાય છે. તેમજ શિક્ષકોનો પગાર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. ત્યારે દાનન અને વહીવટી ખર્ચના બહાને ફીના નામે બાળકોનુ શોષણ કરી રહ્યુ છે. હાલમાં બાળકોના ફીના નામે રીઝલ્ટ અટકાવી દીધા છે અને ગરીબ બાળકોને ફી ભરીને રીઝલ્ટ લેવા શાળા દ્વારા જણાવાયુ છે. પરિણામના દિવસે બાળકો રીઝલ્ટ લેવા જતાં રીઝલ્ટ વગર રઝળી પડ્યા હતા. શાળા દ્વારા ગેરકાયદે ફી વસુલાઈ રહી છે. ફીની પહોંચ પણ અપાતી નથી. રાજય સરકાર દ્વારા 2012ના પરીપત્ર મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષક કરવાની જોગવાઈ કરેલ છે. ત્યારે ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ 1500થી લઈને 2600 સુધીની ફીના નામે નાણાં લેવામાં આવી રહ્યા છે. સદર શાળા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ મામલે કોઈ કાર્યવાહી નહિ કરાય તો ગાંધી ચિંઘ્યા માગે આંદોલન કરવાની ચિમકી આપી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.