ઝાલોદ તાલુકાના કદવાળ ગામના નાળ ફળિયાના પંચાયત સભ્ય 42 વર્ષિય પંચવટીબેન મછારને તેમના પતિ નિતેશભાઈ ઉર્ફે પિંટુ રમણભાઈ નીસરતા સાથે દસેક મહિનાથી અણબનાવ બનેલો હોય તેઓ તેમના પિતાના ધરે સંજેલીના ભામણ ગામે રહે છે. ત્યારે તેમના કદવાળ ગામના સરપંચનુ નિધન થયુ હોય દોઢ મહિનાથી પંચમવટીબેન નાળ ફળિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવે છે.
ત્યારે ફળિયામાં ગ્રામ પંચાયતની ગ્રામસભા રાખેલ હતી. જેમાં પંચમવટીબેન મછાર, તેમના કાકાનો છોકરો રાકેશભાઈ તેરસીંગભાઈ મછાર, તેમના પિતા પારસીંગભાઈ માવજીભાઈ મછાર, મુકેશભાઈ પારસીંગભાઈ મછાર સહિતના લોકો ગ્રામ પંચાયત ઉપર હતા. ગ્રામસભા ચાલુ હતી ત્યારે પંચમવટીબેનના પતિ નિતેશભાઈ બે માણસો સાથે મોટરસાયકલ ઉ5ર આવ્યા હતા. અને ગ્રામ પંચાયતની મિટીંગ હોલમાં આવી પંચમવટીબેનને બિભત્સ ગાળો બોલી તુ કેમ સરપંચની ખુરશીમાં બેસેલ છે. તને છોડવાની નથી. જાનથી મારી નાંખવાની છે.
તેમ કહી ગાલ ઉપર બે ચાર ઝાપટો ઝીંકી દીધી હતી. અને વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ગામના આગેવાનોએ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા. અને નિતેશભાઈબેન બહાર લઈ ગયા હતા. ત્યારે બહાર ઉભેલા પંચમવટીબેનના પિતા તથા કાકાના છોકરાને પણ મારી નાંખવાની ધમકીઓ આપી મોટરસાયકલ ઉપર બેસી ત્રણેય જણા જતા રહ્યા હતા. પંચમવટીબેનને બરડાના ભાગે તથા ગળામાં ઈજાઓ થતાં ઝાલોદ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા. આ સંદર્ભે પંચવટીબેને પતિ નિતેશ ઉર્ફે પિંટુ નીસરતા અને તેની સાથે બે સામે ફરિયાદ નોંધાવી હતી.