ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્ય અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3-શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો

  • આંગણવાડી અને શાળાના પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરાયા.

દાહોદ જીલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024-25ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની ત્રણ શાળાઓમાં રાજડીયા પ્રાથમિક શાળા, મુવાડા કન્યા પ્રાથમિક શાળા ઝાલોદ, નાનસલાઈ મુખ્ય પ્રાથમિક શાળા શાળાઓના પરિવારના શિક્ષકો, આચાર્યની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને અનુલક્ષીને ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. સરકાર જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે યાદગાર બનાવે છે, તો એક જાગૃત નાગરિક તરીકે આપણે ભણતરમાં ધ્યાન આપી દેશ સહિત સમાજના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવીએ એમ અનુરોધ કર્યો હતો. તેમણે વાલીઓને તથા શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ અંગે જાગૃત બની તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે ત્રણ શાળાઓમાં આંગણવાડી અને શાળાના પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. રમત ગમત, અભ્યાસ,સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજયકક્ષાની પરિક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ કાર્યક્રમ નિમિતે શાળા સ્ટાફ, સી.આર.સી, તાલુકા શિક્ષણ અધિકારી, આઈ.સી.ડી.એસ. આરોગ્યનો સ્ટાફ, સરપંચો, આંગણવાડી બહેનો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.