ઝાલાવાડમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી વાન અને ટ્રક અથડાતા ૯ લોકોના મોત

જયપુર, ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. લગ્નના સમારોહમાંથી પરત ફરી રહેલી વાન અને ટ્રક અથડાતા નવ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ એસપી રિચા તોમરે જણાવ્યું કે આ દુખદ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. અહીં ઝડપભેર મારુતિ વાન અને ટ્રક-ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો મયપ્રદેશથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. જ્યારે આ લોકો ઝાલાવાડમાં નેશનલ હાઈવે (દ્ગૐ ૫૨) પર અકલેરા નજીક પહોંચ્યા ત્યારે આ ભયાનક અકસ્માત થયો.

ઘટના બાદ સ્થળ પર ચીચીયારીઓ સંભળાઇ હતી. વાન અને ટ્રક-ટ્રોલી વચ્ચે અથડાયા બાદ વાનના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે ઘટના કેટલી ભયાનક હતી. જ્યારે આસપાસના લોકોએ તેને જોયો ત્યારે તેઓ તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ અને માહિતી એકઠી કરી. મૃતદેહોને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકલેરા પોલીસ ઘટનાસ્થળે હાજર છે. આ ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.