ભરુચ,
ઝઘડિયા બેઠક ફરી એક વખત ચર્ચામાં આવી છે. ઝઘડિયા બેઠક પર ભાજપનું ફોર્મ રદ કરવાની માંગ કરાઇ છે. આ અંગે બીટીપીઁના ઉમેદવાર મહેશ વસાવાએ અરજી કરી છે. મહેશ વસાવાએ ભાજપના ઉમેદવાર પર આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યુ કે, ભાજપ ઉમેદવાર રિતેશ વસાવા આદિવાસી નથી. તેથી તેઓ એસટી આરક્ષિત ઝઘડિયાથી ઉમેદવારી ન કરી શકે.
તેમણે રાજ્ય સરકારના ૨૦૦૨ના પરિપત્રને ટાંકીને જણાવ્યું કે, રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિઓમાંથી ધર્મ પરિવર્તન કરનાર ગુજરાતી ક્રિશ્ર્ચનોનો આદિવાસીમાં સમાવેશ થતો નથી અને તેમનો સમાવેશ શારીરિક શિક્ષણ પછાત વર્ગની જાતિમાં થતો હોવાથી ઝઘડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ઉમેદવારી પત્ર રદ્દ થવું જોઇએ. ઝઘડિયા વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીએ એક કલાક બાદ સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું છે. ઝઘડિયા વિધાનસભાના બીટીપીના ઉમેદવારે બીજેપીના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા ચૂંટણી અધિકારીને અરજી આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંગ્રામમાં અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારનો વિવાદ સામે આવ્યો છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. હવે આ બેઠક પરથી પિતા અને બે પુત્ર દ્વારા ઉમેદવારી નોંધાવી છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં આજે પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ છે. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે.