- સૌથી વધુ અકસ્માત ઓવર સ્પીડીંગના કારણે થયા :રોંગ સાઈડમાં ડ્રાઈવીંગ એ પણ અકસ્માતનું એક કારણ.
નવી દિલ્હી,
દેશમાં વધુને વધુ સારી થઇ રહેલી હાઈવે સહિતના માર્ગ પરિવહનની પરિસ્થિતિ વચ્ચે પણ અકસ્માતોની સંખ્યામાં પણ મામૂલી ઘટાડો થયો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ મુજબ જો કે માર્ગ અકસ્માત રોકવામાં ૨૦૧૯થી જે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેના કારણે ૨૦૨૧માં માર્ગ દુર્ઘટનામાં ઘટાડો નોંધાયો છે.
પ્રસિધ થયેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, ૨૦૨૧માં ૪,૧૨,૪૩૨ માર્ગ અકસ્માત નોંધાયા અને કુલ ૧,૫૩,૯૭૨ લોકોએ જીવન ગુમાવ્યા જ્યારે ૩,૮૪,૮૪૮ લોકો ઘાયલ થયા. પરંતુ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૧માં માર્ગ અકસ્માતમાં ૧૪.૮%નો ઘટાડો થયો છે. ૨૦૧૯ની સરખામણીમાં ઘાયલોની સંખ્યા પણ ઘટી છે. જો કે મૃત્યુદર વધ્યા છે. અને તે પણ ખાસ કરીને વધતા જતા વાહનો અને ચાલકોની બેદરકારી સહિતના કારણે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ દર ઉંચો ગયો છે. રોજ સરેરાશ ૧૧૩૦ માર્ગ દુર્ઘટના નોંધાય છે અને તેમાં ૪૨૨ લોકોના મોત થાય છે.
કોવિડ સહિતના પ્રકોપના કારણે માર્ચ-એપ્રિલ ૨૦૨૦ દરમિયાન રાષ્ટ્રીય વ્યાપી લોકડાઉન હતું અને ત્યારબાદ ધીમે ધીમે દેશ અનલોક થયો તેના કારણે ૨૦૨૦માં આંકડાઓ ઓછા આવ્યા હોય તે સ્વાભાવિક છે. ૨૦૨૦-૨૧ દરમિયાન એક નવો અને ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષના યુવાઓની સંખ્યા માર્ગ અકસ્માતમાં મૃત્યુ અથવા તો ઘાયલ થવામાં વધી છે. ૨૦૨૧માં કુલ ૧,૪૨,૧૬૩ ઘાતક દુર્ઘટનાઓ નોંધાઈ.
જેમાં ૩૫%થી વધુ દુર્ઘટનાઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પર નોંધાઇ છે જે દર્શાવે છે કે રાષ્ટ્રીય રાજમાર્ગની સ્થિતિ સુધરી હોવા છતાં પણ અકસ્માતોની સંખ્યામાં નિયંત્રણ લાવી શકાયું નથી. ૨૦૨૧માં ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘનમાં ઓવર સ્પીડીંગ એટલે કે વધુ પડતી ગતિએ વાહન ચલાવવું એ અકસ્માતમાં મુખ્ય કારણ બની રહ્યું છે અને જે મૃત્યુ થયા તેમાં ૬૯% હિસ્સો આ પ્રકારના ઓવર સ્પીડીંગનો હતો જ્યારે ખોટી દિશામાં એટલે કે રોંગ સાઈડમાં ડ્રાઈવીંગના કારણે ૫.૨%અકસ્માતો નોંધાયા હતા.
કાર અકસ્માતમાં સીટ બેલ્ટ નહીં પહેરવાનું અને ટુ-વ્હીલરમાં હેલ્મેટ વગર ડ્રાઈવીંગ મૃત્યુનું મુખ્ય કારણ.
હાલમાં જ ટાટા ઉદ્યોગ ગૃહના એક સમયના ચેરમેન સાયરસ મિીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારબાદ કારમાં પ્રવાસ કરતા ડ્રાઈવર સિવાયના વ્યક્તિઓને પણ સીટ બેલ્ટ ફરજીયાત કરવા અંગે અવારનવાર ચર્ચા ચાલુ છે અને સાયરસને નડેલા અકસ્માતમાં એ સ્પષ્ટ છે કે તેઓએ પાછલી સીટ પર બેઠા હતા અને સીટ બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ તેમનું જીવન બચાવી શકાયું હોત.પરંતુ આ જ દુર્ઘટના જ નહીં ૨૦૨૧માં નોંધાયેલા અકસ્માતમાં લગભગ ૮૩% મુસાફરોએ સીટ બેલ્ટ બાંધ્યા ન હતા એટલે કે દર ૧૦ કાર અકસ્માતમાંથી ૮ કાર અકસ્માતમાં મૃત્યુના કારણમાં સીટ બેલ્ટ નહીં બાંધવાની ભૂમિકા પણ મહત્વની હોય છે.