ઝાડા-ઉલટીના કેસ વધતા પાલનપુરમો વોર્ડ નંબર ૬ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

પાલનપુર શહેરનાં કોટ અંદરનાં વિસ્તારમાં થોડા દિવસથી ઝાડા-ઉલ્ટીનાં કેસમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે લોકોનાં ઘરોમાં તપાસ હાથ ધરી હતી. એક વ્યક્તિનો રિપોર્ટ કોલેરા પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સમગ્ર વિસ્તારનો કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો.

આ સમગ્ર બાબતે જીલ્લા રોગ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે, એક દર્દીનો રિપોર્ટ કોલેરો પોઝીટીવ આવ્યો હતો. જેને લઈ જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલ દ્વારા ખાસદારફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, કમાલપુરા, ઝવેરી માઢ, જૂનો અંબબકૂવો, ઝાંઝર સોસાયટીની આજુબાજુનાં બે કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ નગરપાલિકાની ટીમ દ્વાર બુધવારે સમગ્ર વિસ્તારમાં સર્વે કરતા પાણીની પાઈપલાઈનમાં પાંચ જગ્યાએ લીકેજ મળી આવ્યા હતા. જેનું તાત્કાલીક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરાયું હતું.

પાલનપુર શહેર મામલતદાર કેતન ચૌધરીએ જણાવ્યું હતું કે, ઝાડા ઉલ્ટીનાં ૨૩ દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝિટીવ આવ્યો હતો. જે બાદ આ દર્દીની તાત્કાલીક સારવાર હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ તેની તબીયત સુધારા પર છે. તેમજ નગર પાલિકા ચીફ ઓફીસર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિનેશન તેમજ ગંદકી કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.