ગણેશ વિસર્જનમાં થયેલ બબાલને લઇ ઝાલોદના એએસપી વિરુદ્ધ હિન્દૂ સંગઠનમાં ભારે રોષ.

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગતરોજ શ્રીજી વિસર્જન વેળાએ મધ્યરાત્રીના સમયે હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાંક લોકો વચ્ચે તું..તું.. મેં..મેં..ના દ્રશ્યો બાદ એક્શનમાં આવેલ ઝાલોદ સબ ડિવીઝનના નાયબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા કેટલાંક હિન્દુ યુવકોને પોલીસ મથકે લાવી ખુબ માર માર્યાે હોવાના આક્ષેપો સાથે ઝાલોદ નગરમાં આજરોજ હિન્દુ સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો. આક્રોશ એટલો ફેલાઈ જવા પામ્યો હતો કે વિસર્જનના બીજા દિવસે એટલે કે, આજરોજ ઝાલોદ નગર સજ્જડ બંધ રહ્યું હતું. હિન્દુ સંગઠનોએ નગરમાં વિજયસિંહ ગુર્જર હાય.. હાય..ના નારા લગાવ્યો હતો. ઝાલોદ પોલીસ મથકે પણ જઈ સુત્રોચ્ચાર પોકાર્યાં હતાં ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતની ટીમ ઝાલોદ નગરમાં પહોંચી ગઈ હતી જ્યાં હિન્દુ સંગઠનો સાથે જિલ્લા પોલીસ વડાએ શાંતિ પુર્ણ રીતે વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર મામલે ઝાલોદ નગરના હિન્દુ સમાજના આગેવાનો સહિત લોકો દ્વારા ઝાલોદ સબ ડિવીઝનના નાયબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર વિરૂધ્ધ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઝાલોદમાંથી અન્ય સ્થળે તાત્કાલિક અસરથી બદલી કરવા માંગણી કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

સમગ્ર દાહોદ જિલ્લામાં ગતરોજ શ્રીજીનું વિસર્જન ધામધુમથી ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ ઝાલોદ નગરમાં મધ્યરાત્રીના સમયે ગણેશ મંડળો શ્રીજીની પ્રતિમાને ઝાલોદ નગરના રામસાગર તળાવ ખાતે વિસર્જન કરી પરત ફરતાં હતાં તે સમયે લઘુમતિ વિસ્તાર ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે તું.. તું.. મેં..મેં..  વચ્ચે શાબ્દીક યુધ્ધ સર્જાયું હતું. ઘટનાને પગલે જે તે સમયે સ્થળ પર હાજર પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો ત્યારે મોડી રાત્રીના સમયે ઝાલોદ સબ ડિવીઝનના નાયબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા કેટલાંક હિન્દુ યુવકોને પકડી ઝાલોદ પોલીસ મથકે લઈ આવી ઢોર માર માર્યાે હોવાના હિન્દુ સમાજ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં અને આ મામલે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધતું એક આવેદપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર, ઝાલોદ સબ ડિવીઝનના નાયબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર છેલ્લા કેટલાંક સમયથી ઝાલોદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના બહાને હિન્દુઓની આસ્થા સાથે ચેડા કરે છે. ભગવાન શ્રી રામ વિશે પણ અશોભનીય ભાષામાં વાત કરતાં હોવાના આક્ષેપો હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યાં છે. વધુમાં જણાવ્યાં અનુસાર, રામ નવમીના દિવસે રથયાત્રાને રોકીને પોલીસ ફોર્સ બોલાવીને યાત્રામાં રૂકાવટ ઉભી કરી હતી ત્યારે ગતરોજ ગણેશ વિસર્જન સમયે રાત્રીના સમયે લઘુમતિ કોમના ટોળાએ ગણપતિના રથ અને ઢોલવાળા તેમજ વિસર્જન યાત્રા પર હુમલો કરીને નગરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો જે મામલે પોલીસ કર્મચારીઓ સાથે હિન્દુ સમાજના લોકો શાંતિ પુર્ણ રીતે વાત કરી રહ્યાં હતાં. પોલીસ ફોર્સ દ્વારા આરતી પણ કરવા દેતા ન હતાં ત્યારે રાત્રીના બે વાગ્યાના આસપાસ કોમ્બીંગ કરીને હિન્દુ સમાજના યુવાનોને ઘરમાંથી કાઢીને મારકુટ કરી પોલીસ સ્ટેશન લઈ જઈને ગંભીર ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી હતી માટે ઝાલોદ સબ ડિવીઝનના નાયબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એક તરફી કાર્યવાહી કરી રહ્યાં હોઈ તેઓને તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવામાં આવે તેવી ઝાલોદના હિન્દુ સમાજના લોકોએ કલેક્ટર સમક્ષ માંગણી કરી હતી. વધુમાં હિન્દુ સમાજના લોકોના જણાવ્યાં અનુસાર, ઝાલોદ સબ ડિવીઝનના નાયબ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા હિન્દુ સમાજના આગેવાનો સાથે અવાર નવાર અશોભનીય વર્તન કરતાં આવ્યાં છે. આઈ.પી.સી.ની કલમ બતાવીને ડરાવવામાં આવી રહ્યાં છે. ગતરોજ વિસર્જનના સમયે એક વિકલાંક બાળક તેની માતા સાથે વ્હીલચેરમાં શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરવા આવ્યાં હતાં ત્યારે તેઓને પણ રોકી આવા લુલા – લંગડાને કેમ અહીં લઈને આવ્યાં છો ? તેમ કહેતાં ત્યાં હાજર નગરના આગેવાનોએ વિરોધ કરતાં વિજયસિંહ ગુર્જરના બોડીગાર્ડે પણ ધમકી આપી હતી. ભુતકાળમાં પણ ઝાલોદ નગરમાં કિશોર વયના બે બાળકો રાત્રીના સમયે પોતાના પિતાને બસ સ્ટેશન લેવા ગયાં હતાં ત્યારે વિજયસિંહ ગુર્જર દ્વારા બંન્ને સગીર બાળકોને ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ તેઓના પરિવારજનોને માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપો ઝાલોદ નગરના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યાં હતાં. આમ, તમામ પ્રકરણમાં વિજયસિંહ ગુર્જર સત્તાનો દુરઉપયોગ કરી હિન્દુ પ્રજાજનોને ડરાવવા ધમકાવતાં હોવાના આક્ષેપો સાથે તેઓને તાત્લિક અસરથી અન્ય સ્થળે બદલી કરવામાં આવે તેવી દાહોદ જિલ્લા કલેક્ટર સમક્ષ ઝાલોદના હિન્દુ સંગઠન દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ સાથે હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઝાલોદ નગરમાં ભેગા થઈ રેલી કાઢી હતી અને વિજયસિંહ ગુર્જર હાય.. હાય.. ના નારા લગાવ્યાં હતાં અને પોલીસ મથકે પણ પહોંચી વિજયસિંહ ગુર્જર વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યાં હતાં.