દાહોદ જિલ્લામાં ઝાલોદના ટાઢાગોળા તેમજ શારદા ગામે એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા ઈન્ડિયન એરપોર્ટ ઓથોરીટીની ટીમને પુનઃ એકવાર ગ્રામજનોનો વિરોધનો સામનો કરવો પડ્યો છે. એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા જવાબદાર તંત્રના અધિકારીઓની આ કામગીરીનો ખેડૂતો દ્વારા ભારે વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે, ખાનગી જ નહીં જંગલની પણ એક ઈંચ જમીન અમે નહીં આપીશું, અમારે અહીં ગામમાં બસ આવતી નથી, અમને પાયાની સુવિધા આપો, એરપોર્ટની અમારે જરૂર નથી. આગામી દિવસોમાં જો પોતાની અથવા તો જંગલની જમીનો જશે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
એરપોર્ટના સર્વેની કામગીરીનો ભારે વિરોધ દાહોદ એરપોર્ટનો મુદ્દે ફરી ગરમાયો છે. સરકારે ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઝાલોદમાં એક તરફ દિલ્હી-મુંબઈ કોરીડોર મામલાનો વિરોધ થંભી રહ્યો નથી ત્યા તો ઝાલોદ તાલુકામાં સરકાર દ્વારા એરપોર્ટ બનાવવાની જાહેરાત સાથે ઝાલોદના ટાઢાગોળા તેમજ શારદા ગામના ખેડૂતો દ્વારા આ એરપોર્ટના સર્વેની કામગીરીનો અત્યારથી જ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ટાઢાગોળા ગામે જઈ રૂબરૂ ગામના ખેડૂતો સાથે મીટિંગ યોજી હતી અને જંગલની જમીનોનો એરપોર્ટની કામગીરીમાં સર્વે કરવામાં આવશે, તેવી ખેડૂતોને બાંહેધરી પણ આપવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાને આવેદનપત્ર પણ આપી આ એરપોર્ટના સર્વેનો વિરોધ નોંધાંવ્યો હતો. ધારાસભ્યએ પણ ખેડૂતોની સાથે ઉભા હોવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારે આજ રોજ પુનઃ એકવાર એરપોર્ટના સર્વેની કામગીરી કરવા પહોંચેલા સંબંધીત તંત્રના અધિકારીઓએ પોલીસને સાથે રાખી ઝાલોદના ટાઢાગોળા તેમજ શારદા ગામે એરપોર્ટ માટે જમીનનો સર્વે કરવા પહોંચ્યાં હતાં. જ્યાં પોતાની માલિકી તેમજ જંગલની એક ઈંચ જમીન પણ એરપોર્ટ માટે આપવા માંગતા ન હોવાનું અહીંના ખેડૂતો દ્વારા જણાવાયું છે. એરપોર્ટની કામગીરીમાં જો પોતાની જમીનો જશે તો પોતે આજીવીકા તેમજ રોજીરોટી વિહોણા થઈ જશે તેવું પણ અહીંના ખેડૂતો દ્વારા જણાવ્યું હતું. આવનાર દિવસોમાં જો એરપોર્ટની કામગીરીને રદ્દ કરવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિન્ધ્યા માર્ગે જઈ વિરોધ કરશે.
એરપોર્ટનો વિરોધ કરતા ખેડૂત અમરસિંહ માવીએ જણાવ્યું હતું કે, ઈન્ડિયન એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ સર્વે કરવા માટે ગયા મહિનાની 14, 15 અને 16 તારીખે આવ્યાં હતા, અમે ટાઢાગોળા ગામના ખેડૂતોએ વિરોધ કરી સર્વે બંધ કરાવ્યો હતો, ત્યારે દાહોદ કલેક્ટર અમારા ટાઢાગોળા ગામે આવ્યાં હતા. અમોને આશ્વાસન આપ્યુ હતું કે, એરપોર્ટમા ટાઢાગોળા ગામના કોઈ ખેડૂતોની જમીન જવાની નથી, જંગલની જમીન પર એરપોર્ટ બનાવવાનું છે, તેમ છતા ગઈકાલે સર્વે કરવા માટે એરપોર્ટના અધિકારીઓ આવ્યાં હતા તેઓને અમે ખેડૂતોએ સર્વે કરવા દીધો ન હતો, ત્યારે આજે ફરી ઈન્ડિયન એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર અને પ્રાંત અધિકારી સાથે સર્વે કરવા આવ્યાં હતા.
વધુમાં જણાવ્યું કે, અમારો વિરોધ હોવા છતા બળ જબરી પૂર્વક સર્વેની કામગીરી શરુ કરી છે, આજે ઈન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા શારદા ગામના જંગલના સર્વે નંબર 26 અને ટાઢાગોળા ગામના સર્વે નંબર 97 મા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે નંબરમાં રનવે બનાવવાનો છે, આ સરકારી જંગલની જમીનના સર્વે નંબરની જમીન સિવાય અમે અમારા ગામના એક પણ ખેડૂત પોતાની જમીનમાં સર્વે કરવા દેવાના નથી, અમારી ખેતીની જમીનમાં અમે કોઈનો પગપેસારો કરવા દઈશું નહીં.
ખેડૂત આગેવાન અરવિંદ ભુરીયાએ જણાવ્યું હતું કે, આજે એરપોર્ટ ઓથીરીટીની ટીમ વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ પોલીસની ટીમ સાથે ટાઢાગોળા અને શારદા ગામે સર્વે કરવા આવ્યાં હતા, સર્વે કરવા આવેલા અધિકારીઓને પુછતા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે માત્ર જંગલની જમીનનો સર્વે કરવાના છીએ, કોઈ ખાનગી જમીનનો સર્વે કરવાના નથી. પરંતુ આ જંગલની જમીન પણ અમો આદિવાસીઓની છે, એટલે જંગલની પણ એક ઈંચ જમીન અમે આપવાના નથી.
વધુમાં જણાવ્યું કે, આ એરપોર્ટ રદ કરવા માટે અમે ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાને પણ આવેદનપત્ર આપ્યું છે, અને ધારાસભ્યએ પણ અમારી પડખે આવ્યાં છે, અમે વિનંતી કરીએ છીએ કે, આ એરપોર્ટ રદ કરવા દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓ અમારી પડખે આવે અને આ એરપોર્ટ રદ કરાવે. જો દાહોદના કોઈ નેતા અમારી પડખે નહિ આવે તો અમે આવનાર ચૂંટણીઓમા આ તમામ નેતાઓનો વિરોધ કરીશું અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.