ઝાલોદ રામસાગર તળાવના કિનારે ગંદકીના ઢગલા : નગરના એક માત્ર તળાવને સાચવવા વહીવટી તંત્ર નિષ્ફળ

ઝાલોદ નગરમાં સવાર સાંજ તળાવના કિનારે નગરજનો ફરવા નીકળતા હોય છે તેમજ રામસાગર તળાવની કિનારે જ રામેશ્વર મહાદેવ મંદિર પણ આવેલ છે આ મંદિરે સવાર સાંજ દર્શનાર્થીઓ ભાગવાન ભોળાનાથના દર્શન કરવા નિત્ય આવતા હોય છે. નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રામસાગર તળાવને સુંદર બનાવવા માટેની મોટી મોટી વાતો કરવામાં આવી હતી તેમજ રામસાગર તળાવને સુંદર બનાવવા ટેન્ડરીંગ પણ થઈ ગયેલ છે તેવી પણ નગરપાલિકાએ નગરજનોને કહેલ છે છતાય નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા તળાવને સુંદર બનાવવા કોઈ કામગીરી કરી હોય તેવું જોવા મળતુ નથી. 

નગરપાલિકા દ્વારા નગરના વિકાશ અને આયોજન માટે કરોડોનો રૂપિયા વાપરી રહી છે પણ ક્યાંય નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરી હોય તે જોવા મળતું નથી, હાલ નગરના વિકાસના નામે વર્ષો થી ટૂટી ગયેલ રોડના નવીનીકરણ સિવાય  કોઈ કામગીરી જોવાઈ રહેલ નથી. રામસાગર તળાવ એ નગરના સહેલાણીઓ માટે ફરવા અને તાજી સુદ્ધ હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ છે પણ તેની જાળવણી કરવામાં પણ નગરપાલિકા વહીવટી તંત્ર ઊણું ઊતર્યું હોય તેવું લાગી રહેલ છે. 

તળાવના કિનારા ઓ પર ઉભરાતી ગંદકીને લઈ તળાવના કિનારે નગરજનો બેસી પણ સકતા નથી. તેમજ તળાવની ચારે બાજુ ફરતી વાડની દિવાલો પર પણ ઘાસ ઉગી આવેલ જોવા મળી રહેલ છે. નગરપાલિકામા જવાબદારી સંભાળનાર સત્તાધીશો બે ધ્યાન રહી નગરનો વહીવટ કરી રહેલ છે તેમ નગરજનો ને લાગી રહેલ છે. નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રા માથી જાગે અને નગરની વાસ્તવિક લાગતી સમસ્યાઓ ને સમજે અને તેને દૂર કરે તેવું નગરજનો ઈચ્છી રહેલ છે. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા વહીવટી તંત્ર જે વાસ્તવિક તળાવનો વિકાસ તો કરી નથી સકી પણ સાફસફાઈ કરાવી નગરજનોને સવાર સાંજ હરવા ફરવા માટે ચોખ્ખું ક્યારે બનાવે છે.