STના ડ્રાઇવરે બસમાં જ ગળાફાંસો ખાધો : ઝાલોદમાં પેસેન્જર ઉતાર્યા બાદ લુંગીને બસના હૂકમાં બાંધી લટકી ગયો, પરિવારનો આક્ષેપ- ‘ડેપો મેનેજરના ત્રાસથી આપઘાત કર્યો’

દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી. બસ સ્ટેશનમાં બસ-ડ્રાઈવરે બસમાં જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ડ્રાઇવરના આપઘાતને લઇ પરિવારજનોએ ડેપો મેનેજરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. જોકે બીજી તરફ ડેપો મેનેજરે આ આક્ષેપ પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બસમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઇ-ડાભલા ગામના ગજેન્દ્રસિંહ ચાવડા રાજકોટના જસદણ ડેપોમાં નોકરી કરે છે. ગત તા.15મી ડિસેમ્બરના રોજ જસદણથી એસ.ટી બસ પેસેન્જર ભરીને ઝાલોદ જવા નીકળી હતી, જે બસ 16મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે 6:45 વાગ્યાની આસપાસ દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી. બસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં પેસેન્જરોને ઉતાર્યા બાદ બસ ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા બસમાંથી ઊતરી ઝાલોદ બસ સ્ટેશનના પ્રથમ માળે આવેલા રેસ્ટ રૂમમા ગયા હતા, જ્યાં થોડીવાર રોકાયા બાદ ફરી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બસમાં આવ્યા હતા, જ્યાં બસમા કોઈ હાજર ન હોવાથી બસમા પડેલા લુંગી જેવું કાપડ લઈ બસના ઉપરના ભાગે આવેલા હૂકમાં બાધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બસના ડ્રાઇવર ગજેન્દ્રસિંહ ચાવડા રેસ્ટ રૂમમાંથી ગયાને અડધો કલાક જેટલો સમય થયો હોવા છતાં પરત ન આવતા કંડક્ટરે શોધખોળ કરી હતી. બસ સ્ટેશનમાં ચારેય તરફ તપાસ કરવા છતાં તેઓ મળ્યા નહોતા, જેથી કંડક્ટરે પાર્ક કરેલી બસમાં તપાસ કરતાં ગજેન્દ્રસિંહ ચાવડાને ગળાફાંસો ખાધેલી હાલત જોતા બૂમાબૂમ કરતા બસ સ્ટેશનના કર્મચારીઓ અને અન્ય બસના ડ્રાઈવરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક કાપડ કાપી નીચે ઉતારી સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તપાસ કરી ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડાને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ થતાં મૃતક ગજેન્દ્રસિંહ ચાવડાનાં પરિવારજનો ઝાલોદ ખાતે દોડી આવ્યાં હતાં અને આપઘાત મામલે મૃતકના ભાઈ નાગેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, જસદણ ડેપો મેનેજર દ્વારા મારા ભાઈને ખૂબ જ ત્રાસ આપવામા આવતો હતો, રજા પણ આપવામાં આવતી ન હતી. રજા મૂકીને આવે તો પણ ઘણીવાર નોકરી પર પરત બોલાવી લેવામાં આવતા હતા. ડીઝલ મામલે પણ અવારનવાર મેમો આપીને ડેપો મેનેજર ત્રાસ આપતા હતા. દરરોજ અલગ અલગ રૂટની બસ આપવામાં આવતી હતી. એકવાર બપોરે 12:30 વાગ્યે નોકરી પરથી ઘરે આવ્યા હતા અને તે જ દિવસે સાજે 5:00 વાગ્યે ડેપો મેનેજરે પરત બોલાવી લીધા હતા. ડેપો મેનેજર 8 કલાકનો આરામ કરવા નહોતા દેતા. રજા ન મળવાના કારણે ઘણી વાર 15 દિવસે ઘરે આવતા હતા.

‘મોત પાછળ જવાબદાર હોય તેને કડક સજા થવી જોઈએ’ આ અંગે મૃતકના કાકા અર્જનસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, મૃતક ગજેન્દ્રસિંહ મારો ભત્રીજો થાય છે, જસદણ ડેપો મેનેજર વારંવાર ત્રાસ આપતા હતા, બે-ત્રણ વાર મને પણ ઘરે આવીને જાણ કરી હતી. મારા ભત્રીજાના મોતની કાયદેસરની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ લોકો મારા ભત્રીજા ગજેન્દ્રના મોત પાછળ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને મારા ભત્રીજાને ન્યાય મળવો જોઈએ.

ગજેન્દ્રસિંહ ચાવડાના આપઘાત અંગે જસદણ ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ગજેન્દ્રસિંહ ખૂબ સારા અને સીધા માણસ હતા, એ વ્યવસ્થિત નોકરી કરતા હતા. એમને કોઇ ત્રાસ આપવામાં આવ્યો નથી. એ વિજાપુર બાજુના હોવાથી બે-ત્રણ વીકલીઓફ ભેગા કરીને જતા હતા. રજાનો કોઇ પ્રશ્ન જ નહોતો. પરિવારજનોએ જે આક્ષેપ કર્યા એ તપાસનો વિષય છે.

‘પરિવારજનોનાં નિવેદન લઈ તપાસ કરાશે’ આ અંગે ઝાલોદ નાયબ પોલીસ અધીક્ષક ડી.આર.પટેલે જણાવ્યુ હતું કે સમગ્ર ઘટના મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિવારજનોનાં નિવેદન લેવાના હજી બાકી છે, નિવેદન લીધા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ત્રાસ આપવાની ઘટના જસદણ વિસ્તારની છે, જો ત્રાસ આપ્યો હોય તો જ્યાં ત્રાસની ઘટના બની છે ત્યાં કાર્યવાહી થશે.