ઝાલોદ પાલિકામાં ભાજપના વિજેતા ઉમેદવાર સામે ગંભીર આરોપ: શૌચાલય ન હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કર્યાની ફરિયાદ, અપક્ષ ઉમેદવારે FIR અને ગેરલાયક ઠેરવવાની માંગ કરી

દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર-6માંથી ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર અમિનાબેન સુક્રમભાઈ માલીવાડ સામે ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર લીલાબેન લલકાભાઈ ગરાસીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમના આરોપ મુજબ, અમિનાબેને 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે ગેરરીતિ આચરી હતી. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના 31 જાન્યુઆરી 2021ના પરિપત્ર અનુસાર, ઉમેદવારે પોતાના ઘરમાં શૌચાલયની સુવિધા હોવી જરૂરી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અમિનાબેને પોતાના ઘરમાં શૌચાલય ન હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. વધુમાં, તેમણે નગરપાલિકામાંથી ખોટો દાખલો મેળવ્યો હતો અને અન્ય વ્યક્તિના મકાનને પોતાનું ગણાવ્યું હતું. ઠક્કરબાપા સોસાયટી, ઝાલોદના રહેવાસી લીલાબેન ગરાસીયાએ માંગ કરી છે કે અમિનાબેનને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે અને તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવે. આ મામલે નિયમાનુસાર કાર્યવાહી ઝાલોદના પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાએ ચિફ ઓફિસર ઝાલોદને અરજી બાબતે તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા માટેનો હુકમ કરતા રાજકીય માર્ચે ગરમાવો આવ્યો છે.