
ઝાલોદ નગરમાં આવેલ દરેક હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવ ભર્યા વાતાવરણ વચ્ચે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઝાલોદ નગરનું સૌથી જૂનું અને આજના સમયનું સૌથી મોટું મંદિર એટલે વણકતલાઈ હનુમાનજી મંદિર. ભાવિક ભક્તોના માનવા મુજબ વણકતલાઈ હનુમાનજી મંદિરના હનુમાનજી એ સાક્ષાત છે તેમજ તેઓ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા દેવતા છે. ઝાલોદ વણકતલાઈ હનુમાનજી મંદિર પ્રત્યે ભક્તોમા એટલી આસ્થા, વિશ્વાસ તેમજ પ્રબળ ભક્તિ છે કે તેઓ જે મનોકામના બાલાજી ભગવાન પાસે માંગે છે તે પૂર્ણ થતી હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં આ મંદિરમાં સુંદરકાંડ પાઠ સાથે સવામણી કરાવતા હોય છે.
- 10,000 થી વધુ લોકો મંદિરે દર્શનાર્થે તેમજ 8000 થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો
- શ્રી રામ ચક્રની ઝાંખી તેમજ મંદિરની સુંદર સજાવટ અને રોશનીએ ભક્તોમા અનેરું આકર્ષણ ઉભુ કર્યું
ઝાલોદ નગરનું વણકતલાઈ હનુમાનજી મંદિર ખૂબ જ પ્રાચીન છે આ પૌરાણિક મંદિર ખૂબ જ નાનું હતું. ધીરે ધીરે ભક્તોનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા આ મંદિર સાથે જોડાતા આ મંદિરના જીર્ણોદ્ધારનુ કાર્ય ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરમા જાણવા મળેલ મુજબ આશરે 45 વર્ષ થી હનુમાન જન્મોત્સવ મહાપ્રસાદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારથી જ ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં હનુમાનજી મંદિરે દર્શન કરવા આવી રહેલ હતા તેમજ ચૂરમાનો ભોગ લગાવવા ભક્તોની ભીડ લાગેલ હતી.
આજે હનુમાન જન્મોત્સવ અન્વયે વણકતલાઈ હનુમાનજી મંદિરની અંદર આવવાના રસ્તાઓ પર સુંદર લાઇટીંગ તેમજ મંદિર પ્રાંગણ પણ રોશની થી શોભી રહેલ હતું. આજના હનુમાન જન્મોત્સવ પ્રસંગે મંદિરના ગર્ભગૃહમા શ્રી રામચક્ર ની અનુપમ ઝાંખી એ અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું તેમજ મંદિરનું ગર્ભગૃહ શ્રી રામ નામ થી ગુંજી રહેલ હતું. હનુમાનજી ભગવાનનો અનુપમ શણગાર ભાવિક ભક્તોના આંખોમાં સમાઈ ગયેલ હતો.
હનુમાન જન્મોત્સવ અન્વયે વણકતલાઈ સુંદરકાંડ મંડળ દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠ સાંજે 4 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યું હતું જે રાત્રીના 9 વાગ્યે પૂરું થયેલ હતું તેમજ રાત્રીના 9 વાગ્યે પૂરું થતાં મહાઆરતી પણ કરવામાં આવી હતી. આજના હનુમાન જન્મોત્સવ પ્રસંગે વણકતલાઈ હનુમાનજી મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડેલ હતું. અંદાજીત 10,000 ઉપરાંત લોકો મંદિરે દર્શનાર્થે આવેલ હતા તેમજ 8000 થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાપ્રસાદ સાથે ઠંડી છાશની સુંદર વ્યવસ્થા પણ ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી હતી. આજના સુંદર અને અનુપમ પ્રસંગને ભાવિક ભક્તોના સુંદર સહકાર થકી પૂર્ણ થયેલ હતો મંદિર કમિટી દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા સફળ કાર્યક્રમનો એક ભાગ હતો.ઝાલોદ પોલિસ દ્વારા પણ સુંદર સાથ સહકાર આપી પોલિસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.