- પાલિકા નું પાણી નું બિલ ૬ કરોડ જેટલું બાકી.
- પાલિકા તંત્ર નું ગેરરીતિઓ મુદ્દે ભેદી મૌન.
ઝાલોદ,
ઝાલોદ નગર પાલિકાની સામાન્ય સભા આજ ગુવારના રોજ પાલિકાના સભાખંડમાં મળી હતી. વિવિધ મુદ્દે તોફાની બનવાના એંધાણ વચ્ચે યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકામાં થયેલી ગેરરીતિઓ અંગેના મૌન સાથે જ પાલિકા ની સભા પૂર્ણ થતાં પાલિકા તંત્ર નું ભેદી મૌન એ અનેક પ્રશ્ર્નોને હજીય અકબંધ રાખ્યા હતા.
પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની હત્યા અને એક સભ્ય ની આત્મહત્યા બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા આજ ગુરૂવારના રોજ પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. જેની શરૂ આતમાં જ આ બંને સભ્યો ને યાદ કરી અને બે મિનિટનું મૌન રાખી અને સામાન્ય સભાની શરૂ આત કરવામાં આવી હતી.
જેમાં ભંગારની હરાજી, ત્રિમાસિક હિસાબોની મંજૂરી, ઓનલાઇન ટેન્ડર મંજૂર કરવા, પાલિકાના નવીન ભવન ની દરખાસ્ત, ૧૫ માં નાણાં પંચ ના કામોનું આયોજન, ભારે વાહનો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ડમ્પીંગ સાઈટ વગેરે જેવા મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી.
કેટલાક મુદ્દાઓ ને લઈને આ સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ હતા. ત્યારે સત્તાધારી પક્ષ તથા વિપક્ષ દ્વારા અંગીકાર કરવામાં આવેલા ભેદી મૌનને પગલે સામાન્ય સભા શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન થઈ હતી. દુકાન તથા તળાવ ને લઈને પાલિકા નું ભેદી મૌન…. પાલિકાની દુકાન તથા તળાવના ટેન્ડર માં ખોટા બીલો રજૂ કરી અને પચાવી પાડવામાં આવ્યું હોવાનું પાલિકા તંત્ર દ્વારા જ જાહેર કરવામાં આવ્યું હતું. જે બદલ પાલિકા તંત્ર દ્વારા આ અંગે નોટિસ પાઠવવા માં આવી હોવા છતાં, પાલિકા એ દુકાન ફરીથી પરત લેવા અંગે તેમજ, તળાવ નો મત્સ્ય ઉછેર માટેનો ઈજારો રદ કરવા અંગે નો નિર્ણય લીધો ન હતો. દુકાન પરત લેવા અંગે સર્વ સહમતી થી નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે પાલિકા સાથે થયેલી છેતરપિંડી અંગે ફોજદારી કેસ થશે કે કેમ તે અંગે નો પ્રશ્ર્ન ચર્ચાયો નહોતો. તો તળાવના મત્સ્ય ઉછેર અંગેનો નિર્ણય પેંડિંગ રાખવામાં આવ્યો હતો.જે ને લઈને પાલિકા સભ્યોમાં જ અસંતોષ સર્જાયો હતો.
પાલિકા નું પાણીનું બિલ તેમજ લાઈટ બીલ અંગે પણ ચર્ચા થઈ…..
પાલિકાના માછણ ડેમ માંથી લેવાતા પાણીનું બિલ છ કરોડ જેટલું બાકી હોઇ આ બિલ માફ કરવા માટે સરકાર ને રજૂઆત કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. તો લાઇટ બિલ ભરવા અંગે પણ નક્કી કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા ૨૦૧૨ થી પાલિકાના વિકાસ કામો અંગે માહિતી માંગવામાં આવી.
ઝાલોદ ના ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા પાલિકા માં ૨૦૧૨ થી લઈને ૨૦૨૦ સુધી ના થયેલા કામ અને ગ્રાન્ટ અંગેની માહિતી માંગવામાં આવી હતી. જે અંગે પાલિકા એ સર્વાનુમતે આ માહિતી આપવા અંગે નિર્ણય કર્યો હતો.
ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે નજીવી ચકમક ઝરી……
સામાન્ય સભામાં ચીફ ઓફિસર દ્વારા સરકારી નિયમ મુજબ જ જાહેર હરાજી કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. જોકે આ મુદ્દે કેટલાક સભ્યો એ વિરોધનો સૂર રેલાવતા ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા પાલિકા એ આ અંગે થયેલી ગેરરીતિ ને પગલે પાલિકા ના તમામ સભ્યો સસ્પેન્ડ થાય તેમ પણ કહ્યું હતું. જો કે આ વાત અહીંયા જ પૂરી થઈ હતી. પણ પાલિકા માં જો આટલી જ ગેરરીતિઓ થઈ છે. તો આ અંગે કંઇ નિર્ણય હજી સુધી કેમ લેવાતો નથી. તેવો પણ પ્રશ્ર્ન ઉદભવ્યો હતો.