ઝાલોદ નગરના વાવડી ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સહિત તમામ સામાન આગમાં સ્વાહા

  • ઝાલોદ નગરના વાવડી ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સહિત તમામ સામાન આગમાં સ્વાહા
  • અચાનક આગ લાગતા હિન્દુ મુસ્લિમ સમાજના સહુ લોકોના સહિયારા પ્રયાસો થી આગને કાબૂમાં લેવાઈ
 ઝાલોદ નગરના વાવડી ફળિયામાં તારીખ 20-02-2023 ના રોજ રાત્રીના 8 વાગ્યા દરમ્યાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. લાકડાની બનાવટના જૂના મકાનમાં આગ લાગતા આગ બેકાબુ બની ગયેલ હતી. આગને કાબુમાં લેવા હિન્દુ અને મુસ્લિમ સમાજના સહુ લોકોએ સહિયારા પ્રયત્નો કરવા લાગ્યા હતા. આગ  એટલી ભયંકર લાગી હતી કે મકાનની અંદર રહેલ બધો માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો. આગ લાગતાની સાથે નગરપાલિકાનું ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતું તેમજ વધુ આસપાસના વિસ્તારમાં આગ ન વધે તેની તકેદારી રૂપે દાહોદ થી પણ ફાયર બોલાવવામાં આવેલ હતું. આગ એટલી ભયંકર લાગી હતી કે આગ ઓલવવા માટે લગભગ દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ મકાનમાં બ્રહ્મ સમાજના લાલાભાઈ અને તેમની બહેન રહેતા હતા. સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી પણ મકાનની અંદરનો ઘરવખરી સહિતનો બધો સામાન બળીને આગમાં સ્વાહા થઈ ગયેલ હતો. આ ભાઈ બહેનનું મકાન બળીને ખાખ થઈ જતાં તેઓ માટે રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા માટે સહુ કોઈ ચિંતિત જોવા મળતા હતા.
 
આગ લાગેલ સ્થળે પ્રાંત અધિકારી ,મામલતદાર, પોલીસ સહુ ઘટના સ્થળે દોડી આવી પૂરી ઘટનાનો તાગ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે જોડાયેલ હિન્દુ અને મુસ્લિમ સમાજના સહુ લોકો એકજૂટ થઈ આગને ઓલવવાના તમામ પ્રયાસો કર્યા હતા. મકાનમાં આગ લાગતા એક પરિવારનો માળો છીનવાઈ જતાં આ સ્થળનો તાત્કાલિક સર્વે કરી અધિકારીઓ સહાય આપી મકાન બનાવી આપે તેવી નગરમાં લોકમાંગ ઉઠવા પામી હતી. આ આગને લીધે આ આખું મકાન બળી જતાં આઠ થી દસ લાખના નુકસાની મકાનમાં રહેલતા પરિવારને થયેલ છે તેમજ આ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોઈ સરકાર તાત્કાલિક કોઈ સરકારી સહાય જાહેર કરે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.