દાહોદ,
દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાના પંચાયતમાં તાલુકા પંયાચતના પ્રમુખ દ્વારા સત્તાનો દુરઉપયોગ કરી વિકાસના કામોમાં સરકારી ગ્રાન્ટનો મોટા પાયે ભષ્ટ્રાચાર કર્યોં હોવાના આક્ષેપો સાથે ખુદ ઝાલોદ તાલુકા પંચાયતના ભાજપના સભ્યો દ્વારા ઝાલોદ તાલુકા ભાજપા પ્રમુખને આ મામલે લેખિત રજુઆત કરતાં ઝાલોદ તાલુકા પંચાયત આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યાં અનુસાર, ખુદ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભાજપનાજ તાલુકા પંચાયતના સભ્યો નારાજ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે અને અંદરો અંદર પણ પ્રમુખ અને સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખને સત્તા પરથી દુર કરવામાં આવે અને પોતે રાજીનામું આપે તેવી લાગણી અને માંગણી ભાજપના તાલુકા પંચાયતના સભ્યોમાં ઉદ્દ્ભવવા પામી છે.
ઝાલોદ તાલુકા પંચાયતના સભ્ય નિનામા મેહુલકુમાર કે. અને ભાભોર નરેશકુમાર એમ તેમજ તેમની સાથે અન્ય કેટલાંક નારાજ એવા તાલુકા પંચાયતના સભ્યો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ કલજીભાઈ ભાભોર સામે ભારે નારાજગી દર્શાવી છે અને ઝાલોદ તાલુકા ભાજપાના પ્રમુખને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પોતાના સત્તાનો દુરઉપયોગ કરી તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતોને અન્યાય કર્યોં હોવાનું જણાવ્યું હતું. ઝાલોદ તાલુકા પંચાયતમાં 38 તાલુકા પંચાયત સીટો અને તેમજ સમાવિષ્ટ પંચાયતો આવેલ છે. ઝાલોદ તાલુકા પંચાયતમાં હાલ ભારતીય જનતા પાર્ટી સમર્પિત બોડી કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિકાસના કામો માટેની યોજનાઓમાં મુખ્યત્વે એ.ટી.વી.ટી. ટ્રાઈબલ સબપ્લાન 15 ટકા આયોજન 15મું નાણાં પંચ આવાસ, આરોગ્ય, પશુપાલન, શિક્ષણ, સંકલિત બાળ વિકાસ જેવી તમામ યોજનાઓમાં પંચાયતના સરપંચો જોડે ભેદભાવ રાખી મોટો અન્યાય કરી રહ્યાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. વિકાસના કામોની ગ્રાન્ટ તેમના સગા વ્હાલા તેમજ તેમના મળતીયાઓ તથા એજન્સીઓને ભ્રષ્ટાચાકર કરાવાના ઈરાદાથી ફાળવણી કરવામાં આવેલ અને હાલ તાલુકામાં 15માં નાણાં પંચમાં 20 ટકા તાલુકા પંચાયતની ગ્રાન્ટમાં પણ તેમણે સત્તાનો દુરઉપયોગ કરી વર્ષ 2020 – 21 તથા 2021 – 22 અને વર્ષ 2022 – 23 ની ગ્રાન્ટ તાલુકા પંચાયતની કમીટી તેમજ તાલુકા પંચાયતના સભ્યોના સુચવેલ વિકાસ કામોની અવગણના કરી કરોડો રૂપીયા ગ્રાન્ટની બીન જરૂરી જગ્યાએ ઉપયોગ કરી મોટાપાયે ભષ્ટાચાર કરેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. વધુમાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જણાવ્યાં અનુસાર, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ કલજીભાઈ ભાભોરએ તાલુકા પંચાયતના સભ્યોનો વિશ્ર્વાસ ગુમાવી બેઠા છે. તેમજ હવે તાલુકા પંચાયત સભ્ય કાયદાકીય કાર્યવાહી કરવા મજબુર બન્યા તેના ભાગરૂપે તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખ પદેથી રાજીનામુ આપે તેવી ઝાલોદના ભાજપના પ્રમુખ સામે તાલુકા પંચાયતના સભ્યોએ રજુઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલોદ તાલુકા પંચાયતના નારાજ સભ્યો દ્વારા તાલુકા ભાજપા પ્રમુખ સાથે સાથે આ મામલે ગાંધીનગર તેમજ ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરનાર છે ત્યારે આ પ્રકરણ આગામી દિવસોમાં કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું છે. અંદરો અંદર ભાજપ બોડીમાંજ તાલુકા પંચાયતના પ્રમુખથી ભાજપનાજ તાલુકા પંચાયતના સભ્યો નારાજ હોઈ અનેક ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે.