ઝાલોદ
ઝાલોદ કેળવણી મંડળ દ્વારા મંડળ ની માલિકી ના શોપિંગ સેન્ટર નું ધાબુ નિયમો નેવે મૂકી અને ફાળવી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. જેને લઇને નગરજનો માં કેળવણી મંડળ ની આવા વહીવટ ને લઈને છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.
ઝાલોદ નગરની મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ નું સંચાલન કરનાર ઝાલોદ કેળવણી મંડળ તેના વહીવટ થી લઈને શૈક્ષણિક સંસ્થામાં જ ચાલતા રાજકારણ ને લઈને હંમેશા ચર્ચામાં રહ્યું છે. ઝાલોદ નગર સહિત સમગ્ર પંથક માં શિક્ષણ નો વ્યાપ વધારવા માટે નો શ્રેય ધરાવનાર આ સંસ્થા છેલ્લા કેટલાય સમય થી શિક્ષણનો વેપાર કરતી સંસ્થા થઈ ગઈ હોવાનું પણ ફી થી માંડીને સંસ્થા ની મિલકતો નો અણધડ વહીવટ થતાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સંસ્થા દ્વારા મિલકત નો બારોબાર થયેલો વહીવટ નો એક નવીન કિસ્સો હાલ પ્રકાશ માં આવ્યો છે.
જેમાં કેળવણી મંડળની મિલકત એવા ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટર નો બીજો માળ મંડળ દ્વારા નિયમો ને નેવે મૂકી અને કાયમી ભાડા પેટે આપી દેવામાં આવ્યો છે. કુલ ૩૭ લાખ માં આપવામાં આવેલો આ બીજો માળ આપતા પહેલા કેળવણી મંડળ દ્વારા કોઈ પણ જાહેરાત કે કોઈ પણ જાતનો આશય સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. આમ કોઈ પણ નિયમની દરકાર રાખ્યા વિના જ મંડળ ના સભ્યો તથા કેટલાક હોદ્દેદારો ની મિલી ભગત થી બીજો માળ બજાર કિંમત થી ખુબ જ નીચી કીમતે બારોબાર ફાળવી દેવામાં આવ્યો હોવાની બુમ ઉઠી છે. તો મંડળ ના કેટલાક સભ્યો દ્વારા પોતાના હિત માટે મંડળના હિત ને બાજુ પર મૂકી અને આવા વહીવટો કરવામાં આવતા હોવાની ચર્ચાઓ ને લીધે છુપો રોષ નગર માં જોવા મળી રહ્યો છે.
દશ વર્ષ અગાઉ પણ વિવાદ અને વ્યક્તિ એક જ હતા…..
દશ વર્ષ પૂર્વે ઝાલોદ ના કેળવણી મંડળમાં આ જ વિવાદ થયો હતો. ત્યારે ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટર નો પહેલો માળ મંડળ ના જ પ્રમુખ ને આપી દેવામાં આવ્યો હતો અને ત્યારે પણ ભારે વિવાદ થયો હતો. ત્યારે દશ વર્ષ બાદ એ જ વ્યક્તિ ને નિયમો નેવે મૂકી અને બીજો માળ બજાર કીમત કરતા નજીવી કિંમતે ફાળવી દેવામાં આવતા ફરીથી એ જ વિવાદ આવી ને ઉભો છે. ત્યારે નગરજનો ના આટલા વિરોધ છતાં થઈ રહેલ આવા વહીવટ સામે આ વખતે કોઈ પગલાં લેવાશે કે કેમ? તે જોવાનું રહ્યું.
કારોબારી સભ્યો ને અંધારામાં રાખી અને સોદો થયો હોવાની બૂમ….
કારોબારી સભ્યો ને ૩૭ લાખ રૂપીયામાં બીજો માળ આપી દિધો હોવાનું જાણમાં હતું. ત્યારે બીજો માળ ૨૫ લાખ અને ત્રીજો માળ ૧૨ લાખ એમ બે માળ ૩૭ લાખ જેટલી રકમ માં ફાળવવામાં આવ્યો હોવાનું હાલ પ્રકાશ માં આવ્યું છે. જેને લઇને નગરમાં ચર્ચાઓ એ વિવિધ જોર પકડ્યું.