ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્યના ભાઇના ઇશારે હિરેન પટેલની હત્યાનો ખુલાસો, મુખ્ય સૂત્રધારની ધરપકડ

ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા રાજકિય કાવતરાનો ભાગ હતી.આ ચોંકાવનારો ખુલાસો થયો છે ATSની તપાસમાં. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇના ઇશારે હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. અને, પૂર્વ MP બાબુ કટારાનો પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.

તો હત્યા મામલે ગુજરાત એટીએસને હરિયાણાથી મુખ્ય સૂત્રધાર ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડને ઝડપી લેવામાં સફળતા મળી છે. મહત્વપૂર્ણ છે કે હિરેન પટેલની હત્યાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો આરોપીઓએ પ્રયાસ કર્યો હતો. અગાઉ આ સમગ્ર મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓ તરફથી મળતી માહિતી મુજબ અમિત કટારા અને ઇમરાને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. અને અમિત કટારાએ જ હત્યા માટેના વાહનની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારે હત્યા કેસમાં અન્ય કયા કયા રાજકારણીઓનો હાથ છે તે અંગે સુરક્ષા વિભાગોએ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ તપાસમાં વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.