ઝાલોદ બાયપાસ ઉપર દારૂ ભરેલ કાર સાથે થયેલ અકસ્માતમાં મરણજનાર વ્યકિતઓના પરિવારે ગોળી મારી હત્યા કરાયાનો આક્ષેપ

દાહોદ,
ઝાલોદ બાયપાસ પર બુધવાર ની સવારે દારૂ ભરેલી ગાડી અને ઉભેલી પિક અપ વચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં દારૂ ભરેલી ગાડી સળગી જતા, તેમાં સવાર બે જેટલા ઈસમો એ ભડથું બની અને જીવ ગુમાવ્યો હતો. આ બનાવમાં બંન્ને બળીને મૃત્યુ પામેલ વ્યક્તિઓનો ઓળખ છતી થવા પામી હતી અને તેમના પરિવારજનો દ્વારા પોતાના વ્યક્તિઓને ગોળી મારી હત્યા કરી હોવાના આક્ષેપો સાથે ઝાલોદ પોલીસ મથકે આવી ભારે હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.

ઝાલોદના બાયપાસ હાઈવે ખાતે ગતરોજ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં વિદેશી દારૂ ભરેલ આઈ ટ્વેન્ટી ગાડીમાં જોતજોતમાં આગ ભભુકી ઉઠી હતી અને ગાડીમાં સવાર બે વ્યક્તિઓ આગની પલેટમાં આવી જતાં ગાડીમાંજ ભડથું થઈ મોતને ભેટલ હતાં. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જે અંગે પોલીસ દ્વારા જીવ ગુમાવનાર બંન્ને વ્યક્તિની ઓળખ છતી કરવાના ધમપછાડા બાદ જેમાં મોબાઈલ દ્વારા તપાસ કરતા મરણ જનાર એક વ્યક્તિની ઓળખ ૩૨ વર્ષીય મહેશ કાનજી સંગાડા (રહે. ગોવાળી તા. મેઘનગર જી. ઝાબુઆ, મધ્ય પ્રદેશ) તરીકે ની થઈ હતી. જે પંદર દિવસ પહેલા છૂટક મજૂરી અર્થે સુરત ખાતે ગયેલ હતો. પોલીસ દ્વારા આ ઘટના અંગે ની જાણ કરતા જ પરિવાર જનો ઝાલોદ ખાતે આવી ગયા હતાં અને ઓળખ છતી કરી હતી. લાશ જોતા જ પરિવારજનો એ મહેશ પર ગોળી મારી હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ પરિવારજનો દ્વારા લાશ લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો. લાશનું પી.એમ. પણ કરાવવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરી દિધો હતો. જેને લઇને પોલીસ તથા પરિવારજનો વચ્ચે ચકમક પણ જોવા મળી હતી અન્ય એક ઈસમ સુરતનો શ્યામ કિશનભાઇ (રહે. કામરેજ સુરત) હોવાનું પ્રતિત થયું હતું. પરિવારના સ્વજન રાજુ સંગાડા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં કે, અમારા કાકા ને માથા ના તથા હાથ ના ભાગે ગોળી મારી અને હત્યા કરેલ છે તથા ગોળી પણ સરીર માંથી નિકાળી દીધેલ છે જે અંગે અમે યોગ્ય તપાસની માંગ કરીએ છીએ, તેમ જણાવ્યું હતું. આ મામલો આગામી દિવસોમાં કેવું રૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું.