દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડું ગામે ગતરોજ વરસાદી માહોલ વચ્ચે વીજળી પડી હતી. એક વ્યક્તિ ઉપર આકાશી વીજળી પડતાં ઘટના સ્થળ પર વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે મુંગા પશુઓ પર પણ વીજળી પડતાં બે પશુઓના પણ મોત નીપજ્યાં હતાં.
ગતરોજ સમી સાંજના સમયે દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો ત્યારે ઝાલોદ તાલુકાના ગરાડું ગામે પણ વરસાદી માહૌલ વચ્ચે વીજળીના કડાકા વચ્ચે અચાનક વીજળી પડી હતી.
ગરાડું ગામે ડામોર ફળિયામાં રહેતાં ટીટાભાઈ ગલીયાભાઈ મુનીયા બહાર રાખેલી ચાદર હટાવવા ગયા હતા.તે જ વખતે વીજળી પડતાં તેઓ પછડાઈને નીચે પડી ગયા હતા.જેથી ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ જ ગામમાં વીજળી પડતાં બે મુંગા પશુઓના પણ મોત નીપજ્યાં હતાં.
આ સંબંધે ગરાડું ગામે કાકરાધરા ફળિયામાં રહેતાં દિનેશભાઈ પુનીયાભાઈ મુનીયાએ ઝાલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.