ઝાલોદના ડુંગરી ગામે બે અલગ અલગ ઝાડ ઉપર પતિ-પત્નિના મૃતદેહ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળતાં ચકચાર

  • દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે બે અલગ અલગ ઝાડ પર પતિ-પત્નીની લાશ લટકતી જોવા મળતા ચકચાર :હત્યા કે આત્મહત્યા ? ચર્ચાનો સવાલ, પોલીસ તપાસમાં જોતરાઇ
  • બંને પતિ-પત્ની ઘરેથી દેવડે જવાનું કહી નીકળ્યા બાદ બંનેની લાશ ઝાડ પર લટકતી જોવા મળતા આશ્ચર્ય સર્જાયું
  • બન્ને પતિ પત્નીના મૃતદેહ એક એક કિલોમીટર દૂર અલગ અલગ ઝાડ ઉપર લટકતા જોવા મળતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા.
  • લીમડી પોલીસ ધટના સ્થળે પહોંચી બન્ને મૃતદેહો ને પીએમ અર્થે લીમડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દીધા

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામની ચકચાર ઘટના સામે આવી છે જ્યાં ગામમાં અલગ અલગ ઝાડ ઉપર પતિ – પત્નિની લાશ લટકતી જોવા મળતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બંન્નેના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ પોલીસ હાથ ધરી રહી છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પતિ પત્નિની લાશ ઝાડ પર લટકતી જોવા મળી છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, પતિની લાશ અન્ય ઝાડ પર અને પત્નિની લાશ બીજા અન્ય ઝાડ પરથી લટકતી મળી હતી. પરિવારજનો પાસેથી જાણવા મળ્યા અનુસાર, આ દંપતિ ઘરેથી દેવળે જવાનું કહી નીકળ્યાં હતાં. ઘટનાને પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યાં હતા. જ્યારે પરિવારમાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ પરિસ્થિતીનું નિરીક્ષણ કરી દંપતિના મૃતદેહની ઝાડ પરથી નીચે ઉતારી પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી રહી છે. આ દંપતિના મોતને પગલે ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થવા માંડ્યાં છે. બીજી તરફ આ દંપતિ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હશે કે પછી કોઈકે તેઓની હત્યા કરી લાશને લટકાવી દેવામાં આવી હશે? જેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉદ્ભવવા પામ્યાં છે ત્યારે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ કર્યો છે.