મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની માતા શબનમ સિંહ પાસેથી ગેરકાયદેસર વસૂલીનો મામલો સામે આવ્યો છે. મંગળવારે આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે યુવરાજ સિંહની માતા પાસેથી ૪૦ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આરોપી યુવતીને યુવરાજના ભાઈ જોરાવર સિંહના કેરટેકર તરીકે રાખવામાં આવી હતી, પરંતુ ૨૦ દિવસ પછી આ છોકરીને કામ પરથી હટાવી દેવામાં આવી હતી.
આરોપી યુવતીની ઓળખ હેમા તરીકે થઈ છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહનું ઘર ડીએલએફ ફેઝ-૧માં છે. તેની માતા શબનમ સિંહે ડીએલએફ ફેઝ-૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં તેણે કહ્યું છે કે, વર્ષ ૨૦૨૨માં હેમા ઉર્ફે ડિમ્પી નામની છોકરીને યુવરાજના ભાઈ જોરાવર સિંહના કેરટેકર તરીકે રાખવામાં આવી હતી. જોરાવર સિંહ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનથી પીડિત છે. શબનમ સિંહે જણાવ્યું કે, હેમાને ૨૦ દિવસ પછી જ કામ પરથી હટાવી દેવામાં આવી હતી.
તેની પાછળનું કારણ એ હતું કે હેમા પ્રોફેશનલ નથી અને તેના પુત્ર ઝોરાવર સિંહને પોતાની જાળમાં ફસાવી રહી હતી. શબનમ સિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે મે ૨૦૨૩માં હેમા ઉર્ફે ડિમ્પીએ તેને કોલ કરીને વોટ્સએપ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. જેમાં તેણીએ ધમકી આપી હતી કે તે તેઓના પરિવારને ખોટા કેસમાં ફસાવીને બદનામ કરશે. આ માટે હેમાએ ૪૦ લાખ રૂપિયાની ગેરકાયદે વસૂલાતની માંગ કરી હતી.
૧૯ જુલાઈના રોજ હેમા કૌશિકે વોટ્સએપ મેસેજમાં ધમકી આપી હતી કે તે ૨૩ જુલાઈએ કેસ દાખલ કરશે, જેના પછી આખા પરિવારની બદનામી થશે. શબનમ સિંહે હેમાને કહ્યું કે આ રકમ બહુ મોટી છે અને તેને એકત્રિત કરવા માટે સમય માંગ્યો. સોમવાર સુધી રૂ.૫ લાખ આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ તે મંગળવાર પર મુલતવી રાખવામાં આવી હતી. મંગળવારે જ્યારે આરોપી યુવતી હેમા રૂ. ૫ લાખ લેવા પહોંચી ત્યારે ડીએલએફ ફેઝ-૧ પોલીસ સ્ટેશને તેની ધરપકડ કરી હતી. ડીએલએફ ફેઝ-૧ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે ખંડણીની કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. બાદમાં યુવતીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.