યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં નવા વર્ષ નિમિત્તે એક વ્યક્તિએ બારમાં ફાયરિંગ કરીને તેના જ પરિવારના સભ્યો સહિત 10 લોકોની હત્યા કરી નાખી. માર્યા ગયેલાઓમાં તેના પરિવારના સભ્યો ઉપરાંત બાર માલિક અને તેનાં બે બાળકો પણ સામેલ છે. ચાર લોકો ઘાયલ પણ થયા છે.
આરોપી હુમલાખોરની ઓળખ 45 વર્ષીય અકો માર્ટિનોવિક તરીકે થઈ છે, જે હુમલા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે પોલીસે વિસ્તારના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી.જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આરોપી હુમલાખોરે આત્મહત્યા કરી હતી.
માર્ટિનોવિક તેના મહેમાનો સાથે બારમાં હાજર હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બારમાં ઝઘડાથી શરૂ થઈ હતી. ઝઘડા બાદ તે ઘરે ગયો અને ત્યાંથી હથિયારો લાવ્યો. આ પછી તેણે સ્થાનિક સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે ફાયરિંગ કરીને ધડાઘડ ગોળીઓ વરસાવી હતી.
તેણે બારમાં કરેલા ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા. બારમાલિક અને તેનાં બે બાળકો માર્યા ગયાં. આ પછી તે અન્ય ત્રણ જગ્યાએ ગયો અને ગોળીબાર કર્યો, જેમાં અન્ય લોકોની હત્યા કરી.સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર પોલીસ ફાયરિંગ પાછળ પારિવારિક સંબંધોને કારણ માની છે.
આ હુમલા બાદ સરકારે ગુરુવારથી ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મોન્ટેનેગ્રોના વડાપ્રધાન મિલોજ્કો સ્પાજિકે ગોળીબારને ભયાનક દુર્ઘટના ગણાવી હતી. હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલત પણ નાજુક છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર માર્ટિનોવિકનો ગુનાહિત રેકોર્ડ છે. ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ તેને સજા પણ થઈ હતી, જેની સામે તેણે કોર્ટમાં અપીલ પણ કરી હતી.