
વડોદરા,
મોબાઇલ શોપમાં નોકરી આપવાની લાલચે પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી યુવતી પર યુવક દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અભયમ પીડિત યુવતીની મદદે આવ્યું હતું. અજાણ્યાં વ્યક્તિ સાથે વધુ પડતો વિશ્ર્વાસ રાખતા તેનુ ગંભીર પરિણામ આવી શકે છે તેવો એક કિસ્સો અભયમમાં આવ્યો છે. જેમાં ૨૨ વર્ષની એક યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે, આ જીવન જીવવા જેવું નથી, જેથી હું આત્મહત્યા કરવાની છું. જેથી અભયમ ટીમે તેને રોકી રાખી તેનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવી હતી અને આત્મહત્યાના વિચારોમાંથી મુક્ત કરી હતી. યુવતીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, એક અજાણ્યા યુવકે તેને નોકરીની લાલચ આપી દુષ્કર્મ કર્યું છે. જેથી ગુનાની ગંભીરતા ધ્યાને લઈ યુવતીને બાપોદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સંખેડા પાસેના ગામની યુવતી જેના પિતા હયાત નથી તે રોજગારી મેળવવા વડોદરા આવી હતી. ઘણી જગ્યાએ પૂછપરછ કરતા એક વ્યક્તિએ તેને મોબાઈલ શોપમાં નોકરી અપાવશે તેવી લાલચ આપી અજાણ્યાં સ્થળે લઇ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરૂદ્ઘ તેની સાથે દુષ્કર્મ કરી તેને પોતાની બાઇક પર બેસાડી અધવચ્ચે છોડી ભાગી ગયો હતો. જેથી યુવતીને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. પરંતુ આ દરમિયાન તેણે આ અંગે અભયમની ટીમને જાણ કરતા અભયમ ટીમે યુવતીને આશ્ર્વાસન આપી આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી અપાવવામાં આવી છે.