વડોદરા : વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં ગઈ રાત્રે બે મિત્રો વચ્ચે યુવતી સાથે ફ્રેન્ડશીપ રાખવાના મુદ્દે સાધારણ બોલાચાલી થયા બાદ સગીર વયના વિદ્યાર્થીએ તેના મિત્રની હત્યા કરી હોવાનો બનાવ બનતા પોલીસે હત્યારાની અટકાયત કરી છે.
ગોત્રીના અયોયા નગરમાં રહેતો દિશાંત રાજપુત નામનો ૧૯ વર્ષનો યુવક ગઈકાલે રાત્રે દિવાળીપુરા કોર્ટ સામે નિસર્ગ કોમ્પ્લેક્સ પાસે હતો તે દરમિયાન તેને મળવા આવેલા સગીર મિત્ર સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી.
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ યુવતી સાથે ફ્રેન્ડશીપ રાખવાના મુદ્દે સાધારણ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ દિશાંત ઉપર સગીર મિત્રએ હુમલાનો પ્રયાસ કરતા દિશાંતે દોટ મૂકી હતી. તેની પાછળ સગીર મિત્ર દોડ્યો હતો. આ દ્રશ્ય કોઈએ નજરે પણ જોયું હતું.
થોડીવાર બાદ સગીર પરત ફર્યો હતો અને ચાલ્યો ગયો હતો. જ્યારે દિશાંતની છાતીમાં ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને હત્યાના કેસ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ કરી હત્યાના આરોપસર સગીર મિત્રની અટકાયત કરી હતી.